(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૭
વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ આગામી સપ્તાહે ભારત અને અમેરિકા વચ્ચે યોજાનારી ૨+૨ મંત્રણા માટે વોશિંગ્ટન જવાના છે પરંતુ એ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન કર્યું છે. ટ્રમ્પે ભારતને અમેરિકી ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવા માટે દોષિત ઠરાવ્યું છે. અગાઉ, ભારતે કૃષિ અને અન્ય કેટલાક જરૂરી ઉત્પાદનો પર ઉત્પાદ શુલ્કમાં જંગી વધારો કર્યો છે. ટ્રમ્પે અગાઉ પણ ભારત સામે આ પ્રકારનો આરોપ મૂક્યો હતો. ટ્રમ્પે અમેરિકાને એવી બેંક ગણાવ્યું જેને બધા જ લૂંટવા માગે છે અને તેઓ કોઇને પણ એમ કરવા દેશે નહીં. તેમણે જણાવ્યું કે અમેરિકાએ ગયા વર્ષે ચીન સાથે ૫૦૦ અબજ ડોલર, યુરોપિયન યુનિયન સાથે ૧૫૧ અબજ ડોલર ગુમાવી દીધા. તેના કારણે અમેરિકી ખેડૂતોને ભારે નુકસાન થયું, તેથી અમારા ખેડૂતો વેપાર કરી શકતા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ભારત જેવા કેટલાક દેશ ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદે છે. અમે ઇચ્છીએ છીએ કે આ ટેરિફ દૂર કરવામાં આવે. વિદેશી વસ્તુઓની આયાત પર ટેરિફ લાદવાના તેમના તાજેતરના નિર્ણયના સંદર્ભમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે આ વાત કહી હતી. ટ્રમ્પે એમ કહીને તેમના નિર્ણયના બચાવમાં એવી રજૂઆત કરી કે આ નિર્ણય ચીન, યુરોપિયન યુનિયન અને ભારત સહિત મોટા વેપાર ભાગીદારો સાથે અમેરિકાના વેપારની અસમતુલાના બદલામાં લેવાયો છે. ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ ૨+૨ મંત્રણા આવતા સપ્તાહે યોજાવાની છે. સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણ પોતાના અમેરિકી સમકક્ષો માઇક પોંપેયો અને જેમ્સ મેટિસ સાથે મંત્રણા કરશે. ટ્રમ્પે જણાવ્યું કે હું જે કરવા માગું છું અને મેં જી-૭માં આપેલા પ્રસ્તાવમાં કહ્યું હતું કે ચાલો બધા પ્રકારના ટેરિફ અને બધા અવરોધો દૂર કરી નાખીએ. તેમણે પૂછ્યું કે શું બધા જ આ વાત સાથે સહમત છે ? અને કોઇએ પણ હા ના પાડી. ટ્રમ્પ મુજબ લોકો ફરિયાદ કરી રહ્યા હતા. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોેને જણાવ્યું કે અન્ય દેશો અમેરિકા સાથે મંત્રણા કરી રહ્યા છે અને ટેરિફ વગર તમે ક્યારેય એ કરી શકતા નથી. જો તમે મંત્રણા કરવા માગતા નથી તો અમે ટેરિફ લગાવીશું.