છેલ્લા ઘણાય સમયથી રાજકીય કકળાટથી દેશ આખો કંટાળી ગયો છે. રાજકારણનું એટલી હદે પતન થઈ ચૂક્યું છે કે સામાન્ય પ્રજા ત્રાહિ ત્રાહિ પોકારી ગઈ છે એમાં પાછું નોટબંધીના તૂતે તો દેશભરની પ્રજાને બેહાલ કરી નાખી છે. કોઈને ન પૂછવાની અહંકારી નીતિને કારણે એવું અણઘડ આયોજન કરાયું કે એક સારી અને સરળ બાબત કરોડો ભારતીયો માટે દુઃસ્વપ્ન બની ગઈ. રાજકીય ‘પતન’થી સ્વાભાવિક રીતે જ હર કોઈ કંટાળ્યું છે ત્યારે તસવીર ટુડેમાં આપણે પર્ણોના ‘પતન’ને માણીએ. ‘પાનખર ઋતુ’ની આ તસવીરો રાજકીય પતનની જેમ તમને ત્રાસ નહીં આપે પણ તેના તેજસ્વી રંગો તમારા થાકેલા મનમાનસને શાંતિના પરિદૃશ્યના સાંનિધ્યમાં તરબતર કરી દેશે.

પ્રથમ તસવીર ઉત્તરી બોહેમીઆના હ્રેન્સકોની છે કે જ્યાં પહાડની ટોચે ઉગેલાં વૃક્ષ પર પર્ણો પોતાના રંગ બદલી રહ્યા છે. બીજી તસવીરમાં ન્યુયોર્કની કીને વેલીમાં આવેલ એડીરોનડેક પાસે આવેલ થ્રી બ્રધર્સ માઉન્ટેનમાં પાનખર દરમિયાન પર્ણ સમૂહો પોતાના રંગ બદલી રહ્યા છે.