(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪
લંપટ સ્વામી નિત્યાનંદ અને ડીપીએસ-ઈસ્ટ શાળાના પ્રકરણે રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે. ત્યારે ડીપીએસ શાળાની માન્યતા રદ થવાને પગલે તેના છાત્રોના ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાતા વાલીઓના હોબાળા અને રજૂઆતોને લઈ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી જેને પગલે આજે મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં શાળાના બાળકોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં આ વર્ષના શૈક્ષણિક સત્ર સુધી ધો.૧થી ૧રના તમામ વિદ્યાર્થીઓનો આજ શાળામાં અભ્યાસ ચાલુ રાખી તેનું સંચાલન ગુજરાત સરકાર કરશે તેવી જાહેરાત કરાઈ છે. ડીપીએસ-ઈસ્ટ શાળાના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે ઊભા થયેલા પ્રશ્નાર્થને લઈ બાળકોના વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં વાલીઓએ ગાંધીનગરમાં ઉચ્ચ લેવલે રજૂઆતો પણ કરી હતી જેના પગલે રાજ્યના મુખ્યમંત્રીએ આખરે શાળાના બાળકોના હિતમાં અગત્યનો રાહતરૂપ નિર્ણય લીધો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધો.૧થી ૧રના જે વિદ્યાર્થીઓ હાલ આ ડીપીએસમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળામાં અભ્યાસ કરવા દેવાશે. રાજ્ય સરકારે ડીપીએસ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઈને રાજ્ય સરકારના ઈતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનો મહત્ત્વપૂૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હંમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાસનની જનહિત જવાબદારી રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યુું હતું કે, સીબીએસઈ દ્વારા ડીપીએસ ઈસ્ટ અમદાવાદ સ્કૂલની માન્યતા રદ કરવાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સીબીએસઈના ચેરમેન સાથે પરામર્શ કર્યો હતો. આ સંદર્ભમાં સીબીએસઈના વરિષ્ઠ અધિકારી ચતુર્વેદી અને અજમેરની રિજિયોનલ ઓફિસના અધિકારી પૂનમબહેને ગુજરાત આવીને શિક્ષણના અધિકારીઓ, વાલીઓ સાથે મુલાકાત કરી હકીકતો મેળવી હતી. આ સમગ્ર ચર્ચાઓમાં વિદ્યાર્થીઓનું હિત તાત્કાલિક જળવાય અને વાલીઓની મૂંઝવણ દૂર થાય તે બાબત કેન્દ્ર સ્થાને રહી હતી. આ અધિકારીઓએ શિક્ષમંત્રી સાથે પણ બેઠક કરીને પરામર્શ કર્યો હતો તે બાદ શિક્ષણ મંત્રીએ સમગ્ર મુલાકાત-ચર્ચા વગેરેથી મુખ્યમંત્રીને માહિતગાર કરતાં તેમણે આખરે આ નિર્ણય લીધો હતો.ક