(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
રાજ્ય સરકાર મર્યાદામાં રહીને ડી.પી.એેસ.-ઈસ્ટ શાળાના વિદ્યાર્થીઓના હિતમાં તમામ મદદ કરવા કટિબદ્ધ છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-૧૦ અને ૧રના વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક સત્રમાં સી.બી.એસ.ઈ. દ્વારા યોજાનાર પરીક્ષામાં બેસી શકશે. આ ઉપરાંત ધોરણ-૯ અને ૧રમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સી.બી.એસ.ઈ. સાથે જોડાણ ધરાવતી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા સી.બી.એસ.ઈ. દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ શાળામાં અભ્યાસ કરતા ધોરણ-૧થી ૮માં અંગ્રેજી માધ્યમની બિનસરકારી અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નજીકની શાળાઓમાં પ્રવેશ અપાવવા રાજ્ય સરકાર મદદરૂપ થશે તેમ આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આ દિલ્હી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગે જરૂરી તમામ પગલાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં સંકળાયેલા તમામ દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારના અહેવાલના આધારે સી.બી.એસ.ઈ. દ્વારા શાળાની માન્યતા તાત્કાલિક અસરથી ૩૦, નવેમ્બર-ર૦૧૯ના આદેશથી પરત ખંચવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અમદાવાદ દ્વારા આજે તા.ર/૧ર/ર૦૧૯ના આદેશથી આ શાળાની ધોરણ-૧થી પ અને ધોરણ-૬થી ૮ (ક્રમિક વર્ગ વધારાની) તા.ર૧/૩/ર૦૧રના પત્રથી અપાયેલ માન્યતા રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સી.બી.એસ.ઈ.ના ઉચ્ચ અધિકારી સાથે સંપર્ક કરીને આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેના પ્રશ્નનો જલદી ઉકેલ આવે અને વિના વિલંબે નજીકની શાળાઓમાં પ્રવેશ મળી રહે તે હેતુથી સી.બી.એસ.ઈ.ના વરિષ્ઠ અધિકારીને અમદાવાદ ખાતે મૂકવા રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.