(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૬
વિધાનસભામાં આજે બજેટની માગણીઓ પર ચર્ચા દરમિયાન મુખ્યત્વે આદિવાસી વિસ્તારોના વિકાસ સહિતના પાયાની જરૂરિયાતના પ્રશ્નો તથા રાજ્યમાં સિંચાઈ, મહિલા અને બાળ કલ્યાણને લગતા પ્રશ્નો અંગે ધારાસભ્યોએ રજૂઆતો કરી હતી જેમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરાયેલી રજૂઆતોનો મુખ્ય સૂર એવો હતો કે સરકાર બજેટની જોગવાઈઓ યોગ્ય અભ્યાસ-આયોજન વિના કરતી હોઈ તેનું ઈમ્પ્લીમેન્ટ બરોબર રીતે થઈ શકતું નથી અને પરિણામે બજેટની રકમ લેટ્‌્‌સ થાય છે તો બીજી તરફ જે તે વિભાગ કે વિસ્તારમાં વિકાસના કે જરૂરિયાતના કામો થઈ શકતા નથી જેની સૌથી વધુ અસર આદિવાસીઓના વિસ્તારમાં જોવા મળી રહી હોવાનું જણાવાયું હતું. આ સાથે રાજ્યમાં ડેમોના સિંચાઈ વિસ્તારની જેટલી સરકાર દ્વારા વાતો કરાય છે તેની સામે પ૦ ટકા કે તેનાથી પણ ઓછા વિસ્તારમાં ખેરખર સિંચાઈનું પાણી આપી શકાતું હોવાનું કોંગ્રેસ તરફથી જણાવાયું હતું.
માગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસમાંથી ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આદિવાસીઓની વસ્તી વધી છે તેની સામે બજેટ વધવું જોઈએ તો તેની સામે ઘટાડો જોવા મળે છે. અહેવાલ મુજબ કુલ બજેટના ૧૭.પ૭ ટકા બજેટ આદિજાતિ વિકાસ માટે ફાળવવું જોઈએ તેની સામે માત્ર ૭.૧૩ ટકા બજેટ ફાળવાયું છે. બીજો મુદ્દો એ છે કે, આદિવાસીઓની જે જરૂરિયાત છે તે પ્રમાણે બજેટમાં વ્યવસ્થિત આયોજન થતું નથી. આયોજન કોઈ કરે છે અને ખર્ચ (અમલીકરણ) અન્ય કરે તો યોગ્ય રીતે કામગીરી ન થાય જેને લીધે જ છેલ્લા પાંચ-છ વર્ષમાં ૮૯,૧૦૦ કરોડ આદિવાસી વિસ્તાર માટે ખર્ચ કરાયા પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ વિસ્તારમાં જોવા મળતું નથી. ખોટા સર્ટિફિકેટો જાતિ અંગેના જે અપાય છે તેની સામે યોગ્ય કાર્યવાહી થતી નથી તો કડક પગલાં લેવા જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ધારાસભ્ય લલિત વસોયાએ સિંચાઈ મુદ્દે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સિંચાઈના કમાન્ડ વિસ્તારની સામે પ૦ ટકા વિસ્તારમાં પણ પાણી પહોંચતું નથી. ભાદર ડેમમાં રર હજાર હેકટર કમાન્ડ એરિયાની વાતો કરાય છે તેની સામે માત્ર ૧૦ હજાર હેકટર વિસ્તાર સુધી જ પાણી આપી શકાયું. તો ભાજપે બનાવેલો એકમાત્ર ડેમ ભાદર-રમાં ૯૯૬પ હેકટર સિંચાઈ વિસ્તાર સામે માત્ર ૯૬૧ હેકટર વિસ્તારને જ પાણી આપી શકાયું છે. બીજા મુદ્દામાં ચેકડેમો ત્રણ વર્ષથી રીપેર કરાતા નથી. આ મુદ્દે ભાજપની જ ભગીની સંસ્થાએ આવેદનપત્ર પાઠવી તૂટેલા ચેકડેમોની યાદી પણ આપી હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી. આ જ રીતે ભાદર નદીમાં ગેરકાયદેસર બેરોકટોક રેતીની ચોરી મોટાપાયે થાય છે. રેતી ચોરીથી ચેકડેમો પણ તૂટી ગયા છે. રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ અંગેના પુરાવા જોઈતા હોય તો આપવા તૈયાર છું. ખોટો સાબિત થાઉં તો રાજીનામું આપી દઈશ. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.