વલસાડ, તા. ર૧
દક્ષિણ ગુજરાત વલસાડના ડૉ.ભૈરવી જોષીને ૨૧મી જૂન વર્લ્ડ યોગા-ડે અવસરે ડચ સોશિયલ એન્ટરપ્રાઇઝ (બી.વાય.સી.એસ.) દ્વારા વલસાડના બાઇસીકલ મેયર તરીકે જાહેર કર્યા છે. હાલના તબક્કે અત્યારે દુનિયાના જુદા-જુદા દેશોમાં ૧૧ બાયસિકલ મેયર કામ કરી રહ્યા છે. જેમાં કેપટાઉન, મેકિસકો સીટી, આમ્સટર્ડમ, રિઓ-દ-જાનેરિયો અને ભારતના વડોદરા, ગુવાહાટી અને બેંગલોર શહેરનો સમાવેશ થાય છે. હવે આ યાદીમાં વલસાડ શહેરનું નામ પણ જોડાઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, બી.વાય.સી.એસ. (BYCS) એક નેધરલેન્ડની સામાજિક સંસ્થા છે. જે સમગ્ર વિશ્વમાં સાયકલિંગને પ્રોત્સાહિત કરે છે. જેનો ધ્યેય એ છે કે, ૨૦૩૦ સુધીમાં સમગ્ર વિશ્વના ૫૦ ટકા શહેરીજનો દૈનિક મુસાફરી સાયકલ દ્વારા જ કરે. જે અંગે લોકો સમગ્ર દુનિયાના વિવિધ શહેરોમાં પ્રતિનિધિ તરીકે સાયકલિંગ મેયરની નિમણૂંક કરે છે.
વલસાડના ડૉ.ભૈરવી જોષી વલસાડને ઇકોફ્રેન્ડલી શહેર બનાવવાની પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવે છે અને તેઓ દ્વારા દક્ષિણ ગુજરાત તથા વલસાડ શહેર અને જિલ્લામાં સાયકલિસ્ટની સંખ્યા વધે તે માટે સતત કામ કરી કરી રહ્યા છે. આ સાથે સેફ બાઇકિંગ એન્વાયરોમેન્ટ જે અત્યારની સૌથી મોટી ચેલેન્જ છે, તેના પર પણ તેઓ કામ કરી રહ્યા છે. અત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી વલસાડ રેસર્સ ગ્રૂપ સાયકલિંગ અવેરનેસ માટે કામ કરી રહ્યું છે.
ડૉ.ભૈરવી જોષીના કહેવા પ્રમાણે, આ ગ્રૂપ મારી તાકાત છે. વલસાડ રેસર્સ ગ્રૂપના નેજા હેઠળ મધર્સ-ડે પર સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇસિકલ મેયર હવે ડૉ.ભૈરવી જોષી વી.આર.જી. લોકલ ઓથોરિટિઝ, સ્કૂલ્સ, કૉલેજ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને દક્ષિણ ગુજરાત, વલસાડ શહેર તથા જિલ્લામાં સાયકલિસ્ટની સંખ્યા વધે તે માટે પ્રયત્નો કરશે.