અમદાવાદ, તા.ર૦
‘‘પ્રગતિ માટે અને પ્રત્યેક સમસ્યાના ઉકેલ માટે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવા જેવો બીજો કોઈ વિકલ્પ નથી અને જ્ઞાન-શિક્ષણ એ એવી મહત્ત્વની વસ્તુ છે કે, જેને તમારી પાસેથી કોઈ છીનવી શકતું નથી’’ એમ અમદાવાદના પનોતા પુત્ર અને સાડા ત્રણ દાયકા કરતા વધુ સમયથી અમેરિકા-ન્યુજર્સીમાં સ્થાયી થયેલા ડો.ઈફતેખાર કાદરીએ જણાવ્યું હતું.
૮૦ના દશકમાં કાર્ડિયોલોજિસ્ટ-હૃદયરોગના નિષ્ણાત બનેલા ડો. ઈફતેખાર કાદરીએ ગુજરાત ટુડે દૈનિકના મુખ્ય કાર્યાલયની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, મેળવેલું જ્ઞાન ક્યારેય એળે જતું નથી અને જીવનના કોઈને કોઈ તબક્કે તે અવશ્ય કામ આવે જ છે. અમદાવાદની દ્ગૐન્ મેડિકલ કોલેજમાંથી તબીબની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ મણિનગરની ન્ય્ હોસ્ટિપલમાં બે વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ તેઓ ૧૯૮રમાં વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયા અને ત્યાં એમણે કાર્ડિયોલોજિસ્ટની યશસ્વી ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યાં જ ફેલોશીપ કરીને તેઓ ત્યાં વસી ગયા. આજે ન્યુજર્સીમાં તેઓ પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ ધરાવે છે અને સારી એવી પ્રતિષ્ઠા તથા નામના એમણે એક સારા કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રાપ્ત કરી છે.
ગુજરાત ટુડે સાથે મોકળા મને નિખાલસ વાતો કરતા ડો.કાદરીએ જણાવ્યું કે મેં જ્યારે અમદાવાદમાં અભ્યાસ કર્યો અને ડોક્ટર બન્યો ત્યાં સુધી ટ્રાફિકની આજના જેવી સમસ્યા ન હતી. આજે અમદાવાદમાં આધુનિક હોસ્પિટલો, હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ તથા અન્ય સુખ સુવિધાઓ જોઈને ખુશી થાય છે પણ સાથોસાથ ટ્રાફિકની ગીચતા, ગંદકી અને અવ્યવસ્થામાં પણ થયેલા વધારાથી દુઃખ થાય છે. ભ્રષ્ટાચારમાં પણ કોઈ કમી આવ્યાનું જણાતું નથી. જે તે વખતે હું અમેરિકા ગયો અને ત્યાં જ વસી ગયો એનું એક મુખ્ય કારણ અત્રે પ્રવર્તતો ભ્રષ્ટાચાર પણ છે. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં તે વખતે પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે તિરાડ હતી અને રમખાણો પણ થતા પરંતુ તે તિરાડ આજના જેવી વ્યાપક ન હતી. આજે તો હિન્દુ અને મુસ્લિમ વિસ્તારો ‘ઘેટ્ટો’માં પરિવર્તિત થઈ ચૂક્યા છે. હિન્દુઓના વિસ્તારો અલગ અને મુસ્લિમોના વિસ્તારો અલગ-થલગ પડી ચૂક્યા છે. જે સારો સંકેત નથી. સહઅસ્તિત્વની ભાવનાને તે ઠેસ પહોંચાડે છે.
ગુજરાત ટુડેના વાચકોને સંદેશ આપતા એમણે કહ્યું કે તમારી દરેક સમસ્યાનો ઉકેલ શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરવામાં સમાયેલો છે અને સમયની સાથોસાથ શિક્ષણમાં પણ બદલાવ આવી રહ્યો છે. જેમ કે થોડા વર્ષ પહેલાં આઈટી સેક્ટર તથા કોમ્પ્યુટર ક્ષેત્રની બોલબાલા હતી જે હવે ઝાંખી પડી ગઈ છે. જ્યારે આજકાલ ઈન્ટરનેટ સિક્યોરિટી તથા રોબોટિક એન્જિનિયરીંગનો સમય છે. આગામી થોડો સમય હવે આ ક્ષેત્રોનો રહેશે ત્યારે તમારે સમય પારખીને-ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે તે વખતે ઉપયોગી થઈ શકે એવું અર્થસભર શિક્ષણ મેળવવું જોઈએ. તેમણે કહ્યું કે હેટ ક્રાઈમ કે નફરતભરી હિંસા ભારતમાં જ છે એવું નથી. અમેરિકામાંય છે. પહેલાં ઓછી હતી પણ હવે તેમાંય વધારો થયો છે. ત્યાં પણ કોમવાદી તત્ત્વો મસ્જિદો જેવા મુસ્લિમોના ધર્મ સ્થાનો પર લાગણી દુભાય તેવા કૃત્યો કરે છે પણ અમે તેનાથી નાસીપાસ થતા નથી ત્યાં ઘણા સારા નાગરિકો વસે છે. એમની સાથે અમે સંવાદ કરીએ છીએ.
આંતરધર્મીય સંવાદો પણ યોજતા રહીએ છીએ જેથી પરસ્પર વચ્ચે વિશ્વાસ વધે અને વિખવાદ ઘટે… બીજું અમેરિકાની પોલીસ બહુ સક્રિય છે અને તટસ્થપણે જે આવા દુષ્કૃત્યો આચરનારાને તરત દબોચી લે છે.
મુસ્લિમો પ્રત્યે રખાતા પક્ષપાત કે પૂર્વગ્રહ અંગે ડો.કાદરીએ જણાવ્યું કે આ પ્રકારના પક્ષપાતનો રચનાત્મક રીતે સકારાત્મક સામનો કરવો જોઈએ. ૧૦૦ વર્ષ પેલાં યહૂદીઓ પણ અમેરિકામાં આવ્યા ત્યારે તેમની સાથે પણ ભારે ભેદભાવ રખાતો. ત્યારે યહૂદીઓએ અમેરિકામાં પોતાની શાળાઓ અને હોસ્પિટલો સ્થાપી. તેની ગુણવત્તા ઊંચી રાખી અને આજે તમે જોશો કે અમેરિકામાં તેઓ ટોપ પર છે. બીજું તેઓ પોતાના ધર્મગુરૂ કે જેને ‘રબ્બી’ તરીકે ઓળખવામાં આવે છે આપણામાં જેમ મૌલાના કે પેશ ઈમામ હોય છે એમ યહૂદીઓમાં ‘રબ્બી’ હોય છે તેમને અમેરિકાનો યહૂદી સમુદાય ખૂબ જ ઊંચો પગાર આપે છે જે ૭પ હજારથી માંડીને બે લાખ ડોલર જેટલો થવા જાય છે. તેઓ પોતાના ધર્મગુરુનું ખૂબ સન્માન કરે છે.
ડો. કાદરીએ વધુમાં કહ્યું કે ઈસ્લામ ખૂબ જ ઉમદા, સરસ અને તાર્કિક મઝહબ છે. પણ કેટલાક મુસ્લિમોએ તેને જટિલ બનાવી દીધો છે. અમેરિકામાં જુમ્આના ખુત્બા પણ સ્થાનિક ભાષા એટલે કે અંગ્રેજીમાં અપાય છે કે જેથી લોકો તેને સમજી શકે અને અમલ કરી શકે. આ ઉપરાંત મસ્જિદો જેવા ધર્મ સ્થાનો બનાવાય છે ત્યારે પાર્કિંગનું પૂરેપૂરૂં ધ્યાન આપવામાં આવે છે. જ્યારે અહીં મસ્જિદો તો શાનદાર બનાવવા માટે દિલથી ભારે મહેનત કરાય છે. પરંતુ પાર્કિંગ જેવી બાબતો પર પૂરતું ધ્યાન અપાતું નથી. આવી નાની મોટી બાબતો પર ધ્યાન આપવામાં આવે તો ભારતના-ગુજરાતના મુસ્લિમોની સ્થીતિ વધુ બહેતર બની શકે.