(એજન્સી) તા.૧૧
ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજના ઓક્સિજન કાંડ મામલામાં આઠ મહિનાથી જેલમાં બંધ ડો. કફીલખાનને હાઇકોર્ટ તરફથી જામીન મળ્યા બાદ શનિવારે સાંજે ડિસ્ટ્રીક્ટ જેલમાંથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
ગોરખપુર જેલમાંથી છૂટ્યા બાદ રાષ્ટ્રીય પાટનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કફીલખાને જણાવ્યું હતું કે મારા પરિવારે ઘણું સહન કર્યુ છે. મારા ભાઇનો બિઝનેસ પણ બંધ થઇ ગયો હતો. મારા બનેવીએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો હતો. તેઓ એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન. ગોરખપુરથી લખનૌ અને લખનૌથી અલ્હાબાદના ચક્કરો કાપી રહ્યા હતા. તેમણે મારા માટે દયાની ભીખ માગવા તમામનો સંપર્ક કર્યો હતો. તેમણે પૂછ્યું હતું કે મેં જ્યારે કંઇ ખોટું કર્યુ નથી તો મને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે ? પરંતુ કોઇએ વાત સાંભળી ન હતી. મારા માતા અને પત્ની ઉ.પ્ર.ના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને બે વખત મળ્યા હતા. મેં માત્ર એવું કહ્યું હતું કે મને ન્યાય મળશે પરંતુ ન્યાય મળતા આટલો લાંબો સમય લાગ્યો. કફીલખાને વધુમાં જણાવ્યું હતું કે જેલમાંથી છૂટ્યા બાદ દેશ અને વિદેશના લોકોએ મારો સંપર્ક કર્યો હતો. મને હૈદરાબાદ, બેંગ્લુરુ, કેરળ, પ.બંગાળથી ફોન આવ્યા હતા. એટલુ જ નહીં લંડન, અમેરિકા, દુબઇ, કેનેડાથી પણ મારા પર ફોન આવ્યા હતા. તેમણે મને ગોરખપુર છોડીને તેમને ત્યાં સેટલ થવા આમંત્રણ આપ્યું હતું પરંતુ હું ગોરખપુર છોડવાનો નથી. હું એન્સેફેલાઇટીસ સામે લડવાનું ચાલુ રાખીશ. જો આપણે બધા ગોરખપુર છોડીશું તો બાળકો મૃત્યુ પામશે એનસેફેલાઇટીસને કારણે છેલ્લા ૨૫ વર્ષમાં ૨૫૦૦૦ બાળકોનાં મોત થયા છે.
આ બીમારીને કારણે મગજમાં સોજો આવે છે. જે લોકો આ રોગમાંથી બચી જાય છે તેઓ આખી જીંદગી વિકલાંગ રહે છે. તેઓ નથી ચાલી શકતા કે નથી વાતો કરી શકતા કે નથી મો વાટે જમી શકતા. તેમને નાક વાટે ખોરાક આપવો પડે છે. આ વિચિત્ર રોગ છે. જો હું ગોરખપુર છોડીશ તો પછી આ રોગના દર્દીઓની કોણ સંભાળ લેશે. માટે હું ગોરખપુરમાં જ રહીશ મારો આત્મા આ ધરતી પર જ રહેવા માગે છે. હું ભારત છોડીશ નહીં કે ગોરખપુર પણ છોડીશ નહીં. મારો આત્મા અહીં જ રહેવા માગે છે. જો મારે દેશ છોડવો હોત તો મે ૨૦૧૩માં છોડી દીધો હોત કે જ્યારે મને ઓસ્ટ્રેલિયામાં માસિક રૂા. ૪ લાખના સ્ટાઇપેન્ડ અને ફેલોશીપ સાથે ઓસ્ટ્રેલિયા તરફથી ઓફર મળી હતી.