(એજન્સી) લખનૌ, તા.રપ
અલ્હાબાદ હાઈકોર્ટે છેવટે ડૉ.કફીલઅહમદખાનના જામીન મંજૂર કર્યા હતા. ખાને ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ગયા વર્ષે ઘટેલ ઘટનામાં શ્રેષ્ઠ કામગીરી કરી સેંકડો બાળકોના જીવ બચાવી હીરો થઈ ગયા હતા. એમણે જેલમાં લગભગ ૮ મહિના વિતાવ્યા હતા. ડૉ.ખાનની ધરપકડ ભાજપ સરકારે કરી હતી. ફેબ્રુઆરી મહિનામાં જનતા કા રિપોર્ટરે લખ્યું હતું કે, સરકારે પોતાની બેદરકારી છૂપાવવા ડૉ.ખાન, ડૉ.આર.કે.મિશ્રા અને એમની પત્ની ડૉ.પૂર્ણિમા શુક્લાની પણ ધરપકડ કરી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે, ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. એ માટે ડૉ.ખાનની કસ્ટડીની જરૂર નહીં રહેતા એમને જામીન અપાયા હતા. ડૉ.ખાનની તરફેણમાં સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવાયું હતું જેમાં ખાન માટે ન્યાયની માગણી કરવામાં આવી હતી. ખાને પણ પત્ર લખી જણાવ્યું છે કે, તે દિવસે ગોરખપુર હોસ્પિટલમાં શું થયું હતું જેના લીધે યોગી આદિત્યનાથ એમની પર ગુુસ્સે ભરાયા હતા. એમણે લખ્યું હતું કે, ઘણી વખત હું મારી જાતને પૂછું છું કે શું હું ખરેખર ગુનેગાર છું. મારી આત્મા નકારમાં ઉત્તર આપે છે. ૧૦મી ઓગસ્ટ ર૦૧૭ના રોજ જ્યારે મને મેસેજ મળ્યો કે હું તરત જ ત્યાં દોડી ગયો. બાળકોના જીવ બચાવવા જે પણ શક્ય હતું એ મેં કર્યું હતું. જે એક ડૉક્ટર, પિતા અને જવાબદાર નાગરિકે કરવું જોઈએ. મેં બધાને વિનંતીઓ કરી, કરગર્યો, ભીખ માંગી, દોડધામ કરી, રડ્યો પણ હતો. એમણે કહ્યું કે યોગી આદિત્યનાથને પણ એક વાત ખૂબ જ ગુસ્સે હતો. એનું કારણ હતું કે મીડિયાને આ સમાચારો કોણે આપ્યા હતા. એમનો ઈશારો મારી તરફ હતો પણ હું અલ્લાહના સોગંદ ખાઈ કહું છું કે, મેં મીડિયાને સૂચના આપી ન હતી. મીડિયા એની મેળે જ ત્યાં હાજર હતી.