(એજન્સી) ગોરખપુર, તા.ર૭
ગોરખપુર ઓક્સિજન કાંડમાં બરતરફ કરાયેલ ડૉક્ટર કફીલખાનને બધા આક્ષેપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. એ નિર્દોષ પૂરવાર થયા છે. ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓગસ્ટ ર૦૧૭માં ઓક્સિજનની અછતના લીધે ૬૦ બાળકોના મોત થયા હતા. જે પછી આ મામલે ડૉ.કફીલને બરતરફ કરાયા હતા. ગોરખપુર ઓક્સિજન કાંડમાં ડૉ.કફીલ નિર્દોષ પૂરવાર થયા પછી કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર હુમલો કર્યો છે. કોંગ્રેસે લખ્યું છે કે, ગોરખપુર દુર્ઘટનામાં પ્રશાસનની બેદરકારીથી પહેલાં બાળકોનો જીવ છીન્યું અને પછી એક નિર્દોષ નાગરિકની ૯ મહિના માટે શાંતિ છીનવી. ડૉ.કફીલને નિર્દોષ ઠરાવતો આ રિપોર્ટ સરકારની કાર્યપ્રણાલિ સામે પ્રશ્નો ઊભા કરે છે. આ રિપોર્ટ આ વર્ષે ૧૮મી એપ્રિલ ર૦૧૬ના રોજ સરકારને અપાયો હતો પણ ૬ મહિના પછી પણ આ બાબત કફીલખાન અથવા અન્યોને કોઈ માહિતી અપાઈ ન હતી. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ડૉ.કફીલખાને કોઈપણ બેદરકારી દાખવી ન હતી. એના બદલે એમણે પરિસ્થિતિને કાબૂમાં રાખવા પોતાના પ્રયાસો કર્યા હતા. ડૉ.કફીલે પોતાના અધિકારીઓને ઓક્સિજનની અછત બાબત માહિતી આપી હતી. પણ પરિસ્થિતિ વધુ બગડતા એમણે પોતાના સ્તરે ઓક્સિજનની ગોઠવણ કરી હતી. નોંધનીય છે કે, જે તે વખતે એમની ઉપર આક્ષેપો મૂકાયા હતા કે ઉપરી અધિકારીઓની પરવાનગી વિના સરકારી હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડરો પોતાના નર્સિંગ હોમ માટે લઈ ગયા હતા અને એમણે ઓક્સિજનની અછત બાબત કોઈને જાણ કરી ન હતી જેના લીધે બાળકોના મોત થયા. આ પછી ડૉ.કફીલની ધરપકડ કરી ૭ મહિના સુધી જેલમાં રખાયા હતા. ગયા વર્ષે હાઈકોર્ટે એમને જામીન આપ્યા હતા. જામીન ઉપર મુક્ત થયા પછી ડૉ.કફીલે બાળકોના મૃત્યુ બદલ સરકારને દોષી ઠરાવ્યા હતા. એમણે કહ્યું હતું કે, એમના કુટુંબને કોઈપણ કારણ વિના લક્ષ્ય બનાવાયો છે. ઓક્સિજનની અછત માટે એ લોકો જવાબદાર હતા જેમને ૬ મહિના પહેલાંથી જ ખબર હતી કે હોસ્પિટલમાં ઓક્સિજન પૂરું પાડનાર કંપનીને રકમ ચૂકવાઈ નથી તે માટે એમણે પૂરવઠો બંધ કર્યો છે. જામીન ઉપર મુક્ત થયા પછી પણ એ સસ્પેન્ડ જ હતા. એમણે આ મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માગણી કરી હતી. દરમિયાનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરોની અછતનું કારણ કંપનીની બાકી રકમ નહીં ચૂકવવાનો હતો તેમ છતાંય ડૉ.કફીલને આ માટે જવાબદાર ઠરાવાયો છે. જો કે, એમણે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા પોતે સિલિન્ડરો ખરીદ્યા હતા જેથી બાળકોનો જીવ બચ્યો હતો. એ માટે ડૉ.કફીલની બરતરફી રદ કરવા વિનંતી કરી હતી. એક આરટીઆઈ દ્વારા પણ માહિતી મળી હતી કે, હોસ્પિટલમાં ઓક્સિજનની અછત દરમિયાન ડૉ.કફીલે અછત નિવારવા પોતે પ્રયાસો કર્યા હતા.
ઉત્તરપ્રદેશમાં બાળકોના મૃત્યુ કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા ડોક્ટરે ક્લિનચીટ પછી કહ્યું : “સરકારે માફી માંગવી જોઈએ”
ઓગસ્ટ ર૦૧૭માં ઉત્તરપ્રદેશના ગોરખપુરની બી.આરડી. મેડિકલ કોલેજમાં ઓક્સિજનની અછતના કારણે ૬૦ બાળકોના મૃત્યુ થયા પછી આ કરૂણાંતિકા બદલ બે વર્ષનું સસ્પેન્શન અને ૯ મહિનાની જેલ ભોગવી ચૂકેલા ડૉ. કફીલખાનને છેવટે ક્લિનચીટ મળી ગઈ હતી. રાજ્ય સરકારે રચેલી તપાસ સમિતિના રિપોર્ટમાં તેમને બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ ક્લિનચીટ મળ્યા પછી ડૉ. કફીલખાને યોગી આદિત્યનાથ સરકાર પાસે માફીની માગણી કરી હતી. ડૉ. કફીલે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “મારા નામ આગળથી હત્યારો શબ્દ દૂર થયો છે.” આ પહેલા તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, “સરકાર હજી સુધી વાસ્તવિક અપરાધીઓને શોધી શકી નથી. આથી મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે.” ડૉ. ખાને કહ્યું હતું કે, સરકારે માફી માંગવી જોઈએ અને પીડિતોને વળતર આપવું જોઈએ તેમજ આ ઘટનાની સી.બી.આઈ. દ્વારા તપાસ કરાવવી જોઈએ.” તેમણે એક મીડિયા નિવેદનમાં કહ્યું હતું કે, “હું હંમેશાથી જાણતો હતો કે, મેં કશું ખોટું કર્યું નથી. તે દુર્ભાગ્યપૂર્ણ દિવસે એક ડોક્ટર, એક પિતા અને એક સામાન્ય ભારતીય તરીકે મેં શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા પરંતુ બાળકોને બચાવવાના મારા પ્રયત્નો બદલ મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો અને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.”
અંતે દોષમુકત ! ગોરખપુરની બી.આર.ડી. કોલેજમાં થયેલા મૃત્યુઓ અંગેની સરકારી તપાસમાં ડો. કફીલખાન ખોટા આરોપોમાંથી નિર્દોષ જાહેર
ગોરખપુરની બી.આર.ડી. મેડિકલ કોલેજમાં ઓકિસજનના અભાવે ૬૦ બાળકોના મૃત્યુના કેસમાં ખાતાકીય તપાસ પછી ૯ મહિના સુધી જેલમાં રહી ચુકેલા પીડિઆટ્રિશ્યન ડો. કફીલખાનને તબીબી બેદરકારી, ભ્રષ્ટાચાર અને કર્તવ્યની ઉપેક્ષાના બધા આરોપોમાંથી મુકત કરવામાં આવ્યા છે. એક પ્રેસ રીલીઝમાં ડો. ખાને કહ્યું હતું કે બે વર્ષ પછી તપાસ સમિતિના રિપોર્ટમાં આ સ્વીકારવામાં આવ્યું છે. કે મારા તરફથી તબીબી બેદરકારી થઈ હોવાના કોઈ પુરાવા નથી. આ અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હું ઓકિસજનના સપ્લાય, ટેન્ડર, દેખરેખ, ચુકવણી અથવા તો ઓર્ડર સાથે કયાંય પણ સંકળાયેલો ન હતો. અહીં મહત્વની વાત એ છે કે રાજયના પ્રિન્સિપાલ સેક્રેટરી (સ્ટેમ્પસ એન્ડ રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) હિંમાશુકુમારે તપાસ સમિતિનો અહેવાલ આ વર્ષે ૧૮ એપ્રિલના રોજ રાજય સરકારને સોંપ્યો હોવા છતાં ડો. કફીલ અને અન્ય આરોપીઓને આ અહેવાલ અંગે જાણ કરવામાં આવી ન હતી. ડો. ખાને રાજય સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તેમને આ અહેવાલ અંગે પાંચ મહિના સુધી અંધારામાંથી રાખવામાં આવ્યા હતા.
Recent Comments