(સંવાદદાતા દ્વારા) પાટણ, તા.ર
પાટણ ખાતે આવેલ ઉ.ગુ. યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રાજકીય અખાડો બની ગઈ છે. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ દ્વારા કુલપતિ બી.એ. પ્રજાપતિના ભ્રષ્ટાચાર કૌભાંડો ઉજાગર કર્યા બાદ બંને વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોના દોષારોપણ થઈ રહ્યા છે ત્યારે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યુનિવર્સિટીની મળેલી કારોબારીની બેઠકમાં ધારાસભ્યના ભાઈ અને સંસ્કૃત વિભાગના પ્રોફેસર દિલીપભાઈ પટેલને નિમણૂક સમયે ખોટા પ્રમાણપત્ર રજૂ કરવાના આરોપ હેઠળ સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરવામાં આવતા શૈક્ષણિક વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે તો બીજી તરફ પ્રોફેસર દિલીપભાઈ પટેલે હાઈકોર્ટમાં પીટીશન કરી વકીલોની હડતાળ હોવા છતાં પોતાની જાતે જ દલીલો કરી સસ્પેન્શન વિરૂદ્ધ સ્ટે મેળવ્યો છે.
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી કારોબારી બેઠક બાદ પત્રકારોને સંબોધતા કુલપતિ ડૉ. બી.એ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં અગાઉ રીડર તથા હાલ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પટેલે પોતાની નિમણૂક વખતે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હોવાની માહિતી સાથે સેનેટ સભ્ય મનોજ પટેલ તથા વકીલ પંકજ વેલાણીએ અરજી આપી હતી જેના આધારે તેઓએ રજૂ કરેલા પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી કરતા પાટણ આર્ટસ કોલેજના આચાર્યની સહી સાથે એક જ સમયના બે અલગ-અલગ પ્રમાણપત્રો રજૂ થયા હતા જેમાં એડહોકનું સર્ટી બોગસ હોવાથી કારોબારીએ દિલીપ પટેલને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવાનો ઠરાવ કર્યો છે.યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં કરાયેલા ઠરાવો અને નિર્ણયો બાદ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, કુલપતિ બી.એ.પ્રજાપતિ પોતાના ભ્રષ્ટાચારોને છાવરવા સરકારના સહયોગથી બદનામ કરવાના પેંતરા રચે છે. કોંગ્રેસનો ધારાસભ્ય હોઈ રાજકીય કિન્નાખોરી રાખી કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવા શામ-દામ અને દંડની નીતિ અપનાવવામાં આવી રહી છે. ભાજપમાં જોડાવા ઓફરો કરવામાં આવી છે પરંતુ મેં પક્ષ અને મતદારો સાથે દ્રોહ કરવા નનૈયો ભણતાં મારી તથા મારાભાઈ દિલીપ પટેલની સામે આજે તપાસના ઠરાવો કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીને સેલ્ફ ફાયનાન્સ કોલેજોના હિસાબો માંગવાનો કોઈ અધિકાર નથી. અન્ય કોલેજોમાં પણ આ રીતે ભરતી અને ઈન્ટરવ્યુ થયા છે. જેઓના હિસાબો માંગવામાં આવ્યા નથી.
વધુમાં ડૉ.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય તરીકે યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિના ભ્રષ્ટાચારોની પોલ ખોલી આર્કેટેક વિભાગમાં પોતાના પુત્ર મયુર પ્રજાપતિની ગેરકાયદેસરની ભરતી મામલે એ.સી.બી.માં ફરિયાદ કરતા તપાસ શરૂ થાય તે પહેલા જ પુત્ર પાસે રાજીનામુ મૂકાવી કિન્નાખોરીથી મારા ભાઈ દિલીપ પટેલને સસ્પેન્ડ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. જેની સામે આજે હાઈકોર્ટમાં વકીલોની હડતાળ હોવા છતાં દિલીપ પટેલે જાતે દલીલો કરી પીટીશનનો ચૂકાદો મેળવ્યો છે. જેમાં હાઈકોર્ટે સસ્પેન્શન સામે સ્ટે આપ્યો છે. જેની કોપી ર.૪૦ મિનિટે કુલપતિ અને રજિસ્ટ્રારને ફેક્સથી ઉતારવામાં આવી છે. છતાં હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરી સસ્પેન્ડનો ઠરાવ કરતા કોર્ટ ઓફ કન્ટેમના મુદ્દા સાથે કાર્યવાહી કરવામાં આવશે.