ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જેટલું અંધેર છે એટલું કદાચ બીજા કોઈ ક્ષેત્રે નથી. શાળા કોલેજો અને યુનિ.ઓમાં શિક્ષણ એટલું મોંઘું કરી દેવાયું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી જ ન શકે અથવા તો દેવું કરવાની ફરજ પડે. આ પરિસ્થિતિને લીધે અસંખ્ય વિદ્યાર્થીઓ અધવચ્ચે જ અભ્યાસ છોડી દે છે. ભારત સરકારના જ માનવ સંસાધન મંત્રાલયના અહેવાલ મુજબ પ્રાથમિક શાળાના ૧૮ ટકા બાળકો અધવચ્ચે જ શાળા છોડી દે છે. જ્યારે ર૬ ટકા વિદ્યાર્થીઓ દસમાં ધોરણ પહેલાં જ અભ્યાસ છોડી દેતા હોય છે.
રાજ્યમાં મોંઘા શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તાના અભાવને લીધે પ્રવર્તતી અરાજકતા અને અજંપાની સ્થિતિ માટે ભાજપ સરકારની સંચાલકો સાથેની ભાગબટાઈ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલ આંકડા મુજબ ૧૪૦ કરતાં વધુ તાલુકામાં રર ટકાથી ૪પ ટકા ડ્રોપઆઉટ રેશિયો છે. ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ ૪૦,૭૪૬ છે અને તેમાં ખાનગી ૭,૧૯૧ અને સરકારી ૩૩,પ૧૮ છે અને તેમાં ૭ર.પ૧ ટકા શાળાઓ જ ધો.૧થી ધો.૮ ધરાવે છે એટલે કે ર૭.૪૯ ટકા શાળાઓમાં આઠ ધોરણ છે જ નહીં કે જે શિક્ષણ અધિકારના કાયદા મુજબ હોવા જોઈએ. આમ ચોથા ભાગ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું આપવામાં આવતું જ નથી. જ્યારે રાજ્ય સરકાર ડ્રોપ આઉટ રેશિયો બે ટકા જ હોવાનું ગપ્પું મારે છે. ગુજરાતમાં માર્ચ ર૦૧૭માં ૧૦માં ધોરણની પરીક્ષામાં ૧૧.૮૦ લાખ અને ૧રમાં ધોરણની પરીક્ષામાં પ.૩૦ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. ર૦૦૬-૦૭માં ૧પ.૮૩ લાખ વિદ્યાર્થીઓ પહેલાં ધો.માં દાખલ થયા હતા. એનો અર્થ એ છે કે, પહેલાં ધોરણ અને દસમાં ધોરણની વચ્ચે આશરે ર૬ ટકા વિદ્યાર્થીઓ શાળા અધવચ્ચે છોડીને જતા રહે છે. બીજા પ૬ ટકા વિદ્યાર્થીઓ દસમાં અને બારમાં ધોરણ વચ્ચે શાળા છોડી દે છે. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ર૦૧૩-૧૪માં ૯ર.ર૯ લાખ હતી અને તે ર૦૧૪-૧પમાં ઘટને ૯૧.૪ર લાખ થઈ હતી. આમ એક જ વર્ષમાં ૮૭,૦૦૦ વિદ્યાર્થીઓ ઘટી ગયા !! બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ર૦૧૪-૧પમાં ર૭.૩ર લાખ હતી એટલે કે ૬૪.૧૦ લાખ વિદ્યાર્થીઓ આઠ અને બાર ધોરણ વચ્ચે ઘટી ગયા ! શું આ વિકાસ છે ?

ગુજરાતમાં સરકાર દ્વારા શિક્ષણ પાછળ સૌથી ઓછો ખર્ચ કરાય છે

ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી પાછળ ર૦૧ર-૧૩માં રૂા.૧૪,૬૦૭નો ખર્ચ થતો હતો. પણ કેરળમાં રૂા.૩૩,૬૬૭નો ખર્ચ થતો હતો. જો ર૦૧૭-૧૮ના શિક્ષણ પાછળના કુલ રૂા.ર૧,૯૦૯ કરોડના ખર્ચને અને કુલ ૧.૩ર કરોડ વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈએ તો વિદ્યાર્થીદીઠ સરેરાશ ખર્ચ રૂા.૧૬,પ૯૮ થાય છે. બીજી તરફ રાજ્યની જીડીપીના સંદર્ભમાં તો આ ખર્ચ ર૦૧૩-૧૪માં અને ર૦૧પ-૧૬માં માત્ર ૧.૯૩ ટકા હતો અને ર૦૧૪-૧પમાં ૧.૯૮ ટકા હતો કે જ્યારે કોઠારી પંચે ૧૯૬૭માં તે ૬ ટકા કરવો જોઈએ તેવી ભલામણ કરી હતી. આમ ગુજરાતમાં સરકાર દ્વારા કેટલો બધો ઓછો ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવે છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા ફી નિયમન ધારો-ર૦૧૭ છેતરપિંડીવાળો : ડૉ.દોશી

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા જેવું કશું ભાગ્યે જ છે. ર૦૧૭ના સરકારી અહેવાલ અનુસાર ૩૪,ર૩૭ પ્રાથમિક શાળામાંથી માત્ર ૮પ૮ શાળાઓ જ એ+ ગ્રેડ અને ૧૧,૧૩૪ શાળાઓ એ ગ્રેડમાં આવી છે. બાકીની બધી સી અને ડી ગ્રેડમાં છે. ર૦૧પ-૧૬માં ૪૪.પ૬ ટકા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાનની પ્રયોગશાળાઓ નથી. આ બાબતમાં ગુજરાતનો ક્રમ ભારતના તમામ રાજ્યોમાં ૧૮મો છે. સરકાર શિક્ષકોની ખાલી જગ્યાઓ સમયસર ભરતી નથી. પ્રાથમિક શાળાઓમાં ધો.૬થી ૮માં ર૦,૦૦૦ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારે ફી પર નિયમન કરતો જે કાયદો ‘‘ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી) નિયમન ધારો-ર૦૧૭’’ કર્યો છે તે જ છેતરપિંડીવાળો છે એમ કોંગ્રેસ પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું છે.

ધો.૩-પ અને ૮ના ૩૦થી ૪૦ ટકા વિદ્યાર્થીઓ અનેક વિષયમાં નબળા

ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નેશનલ અચિવમેન્ટ સર્વેમાં ગુજરાતમાં શિક્ષણ નીતિ કથળી છે. ધો.૩ના ૪૧ ટકા વિદ્યાર્થીઓ ૯૯૯ સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધો.પના ૪૧ ટકા વિદ્યાર્થીઓ એક હજારથી મોટા આંકડા લખી વાંચી શકતા નથી. ધો.૩ના ૩૦ ટકા વિદ્યાર્થીઓ ગણિત એન્વાયરમેન્ટ સાયન્સ અને ભાષાના લગતા પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. ધો.પ અને ૮ના ૪૦ ટકા વિદ્યાર્થીઓ ગણિત ભાષા અને એન્વારમેન્ટ સાયન્સને લગતા પ્રશ્નોને જવાબ આપી શકતા નથી. ધો.૩ના પ૦ ટકા અને ધો.પમાં પ૩ ટકા શિક્ષકો પોતે ઉચ્ચ અભ્યાસક્રમ કર્યો છે તેના કરતા અન્ય વિષય ભણાવે છે.