(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૯
અમદાવાદના હાથીજણ નજીક આવેલા લંપટ સાધુ નિત્યાનંદના આશ્રમનો વિવાદ હવે વકરી રહયો છે. નિત્યાનંદ આશ્રમમાં ડીપીએસ શૈક્ષણિક સંકુલનું ગઠબંધન અને મિલીભગત ખૂલવા પામતા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. મનિષ દોશી (એન્જિનિયર)એ મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ આશ્રમ અને ડીપીએસના ગઠબંધન અંગે તપાસ કરવા માંગ કરી છે. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા દિવસથી એક મા-બાપ પોતાની દીકરીને મળવા માટે સંઘર્ષ કરે છતાં આશ્રમના સંચાલકો વગનો દુરૂપયોગ કરીને દાદાગીરી કરે, તે કેટલે અંશે વ્યાજબી ? લાંબા સંઘર્ષ બાદ પોલીસ તંત્ર દ્વારા ૭ર કલાક પછી ફરિયાદ નોંધી તે આવકારદાયક છે. તેમણે ડીપીએસના સંચાલકો સામે પ્રશ્નો ઊઠાવી જણાવ્યું છે કે, ડીપીએસના સંચાલકોએ લિઝ પર નિત્યાનંદ આશ્રમને જમીન આપી તેનું નિવેદન છે તો આ લિઝ અંગે શિક્ષણ વિભાગ-સીબીએસઈ દિલ્હી-એફઆરસી ગુજરાતની જાણમાં છે કે નહીં ? ડીપીએસ શૈક્ષણિક સંકુલના સંચાલકોએ નિત્યાનંદ આશ્રમને આપેલી જમીન અને એક્ટિવિટીએ સીએસઆર હેઠળ છે, તો શું ડીપીએસ શૈક્ષણિક સંકુલ લાખો રૂપિયા વિદ્યાર્થી-વાલીઓ પાસેથી ઊઘરાવી કોર્પોરેટ કંપની જેમ નફો કરે છે ? આ બાબતે શિક્ષણ વિભાગ ૯૬ કલાક થયા છતાં કેમ મૌન છે ? ડીપીએસ શૈક્ષણિક સંકુલ દ્વારા નિત્યાનંદ આશ્રમના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને શિક્ષણ અપાય છે અને શાળા પ્રમાણપત્ર પણ ડીપીએસ દ્વારા અપાય છે, આ બાબત અંગે શિક્ષણ વિભાગની જાણમાં છે કે નહીં ? નિત્યાનંદ આશ્રમમાં ચાલતી પ્રવૃત્તિઓને રાજ્ય સરકારમાં નોંધણી નથી તેવી માધ્યમમાં પ્રકાશિત માહિતી સાચી હોય તો સરકાર કેમ પગલાં ભરતી નથી ? દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં ત્રિવેદી પંચે આસારામ આશ્રમ સહિતના રાજ્યમાં ચાલતા આશ્રમની નોંધણી બાબતે કરેલ નક્કર ભલામણ છતાં રાજ્ય સરકાર શા માટે ધર્મ-આસ્થાના નામે અમુક આવા વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમ જેવાઓને શું રાજકીય આશ્રય આપવામાં આવી રહ્યો છે ? અંધજન મંડળના ૪૦ જેટલા દિવ્યાંગ બાળકોને વિશેષદૃષ્ટિ-ત્રીજુ નેત્ર માટે ખાસ પદ્ધતિ-ક્રિયા નિત્યાનંદ આશ્રમ દ્વારા પ્રયોગરૂપે કરવામાં આવી હતી. તેવું સત્તાવાર રીતે અંધજન મંડળના સત્તાધીશોએ માધ્યમો દ્વારા સ્વીકાર્યું, તો પ્રગતિશીલ-ગતિશીલ ગુજરાતમાં આ પ્રકારની અંધશ્રદ્ધા પ્રયોગો અંગે હજુ સુધી રાજ્ય સરકારે કેમ ફરિયાદ દાખલ કરી નથી ? કોઈ નિર્દોષ બાળકો ભોગ બને ત્યારબાદ જ ફરિયાદ નોંધવા માંગે છે ? રાજ્ય સરકાર આવી અંધશ્રદ્ધાના પ્રયોગોને શું રક્ષણ આપી રહી છે ? આ તમામ બાબતો ગંભીર હોવાથી તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ ડૉ. મનિષ દોશીએ માંગ કરી છે.
નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સંકુલના ગઠબંધન-મિલીભગત અંગે તપાસ કરો

Recent Comments