અમદાવાદ, તા.૧૬
ભાજપ પક્ષમાં ચર્ચા, વિચારણા, સંવાદને સ્થાન નથી ત્યાં તમામ બાબતો ઉપરથી થોપી દેવામાં આવે છે ત્યારે કર્ણાટકના ચૂંટણી પરિણામ દરમિયાન ઉતાવળે બેબાકળા બનીને અધકચરા ઉત્સાહમાં ભાજપ પ્રમુખે કોંગ્રેસને વણમાંગી સલાહ આપી તેના બદલે તેમના પક્ષમાં થોડી પણ ચર્ચા અને સલાહ સૂચનની વ્યવસ્થા હોય તો ભાજપ પ્રદેશ પ્રમુખ પોતાના પક્ષમાં જ સલાહની આપ લે કરે એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું છે. ભાજપ પ્રમુખ મંત્રી મંડળમાં તેમનું ગોઠવાશે કે નહીં તે માટે નમસ્કાર કાર્યક્રમમાં ધ્યાન આપે તેવો કટાક્ષ કરતા ડૉ.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની મતની ટકાવારી ૩૮ ટકા જેટલી છે અને ભાજ અને પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ તમામ નકારાત્મક પ્રચાર અને અમર્યાદિત નાણાંની રેલમછેલ કરી હતી તેમ છતાં કોંગ્રેસ પક્ષે ૭૮ બેઠક પર વિજય મેળવ્યો છે અને ભાજપ બહુમતીથી દૂર રહ્યું છે. મત ગણતરીના દિવસ દરમિયાન બપોરે અધુરા પરિણામ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખે સ્વભાવ મુજબ ઉત્સાહમાં આવીને કોંગ્રેસ પક્ષ પર આક્ષેપો કરીને વણમાંગી સલાહ આપી, હકીકતમાં કોંગ્રેસ પક્ષને સલાહ આપવાને બદલે ભાજપ પ્રમુખ તેમના પક્ષમાં તેમની સામે થતાં વિવિધ કાર્યક્રમો પર ધ્યાન આપે, તેમનું પદ રહેશે કે નહીં મંત્રી મંડળમાં તેમને સ્થાન મળશે કે નહીં તે માટે તેઓ નમસ્કાર કાર્યક્રમમાં ધ્યાન આપે તો લાભદાયી થશે. ભાજપના પ્રદેશ પ્રમુખને હજી સુધી પોતાના પદાધિકારીઓનું માળખું નિમાયું નથી. અગાઉના માળખાથી જ ગાડું ગબડાવું પડે છે. લોકતંત્ર લોકશાહીમાં કટાક્ષ, અલગ વિચાર રજૂ થાય તે આવકાર્ય છે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ગમે તેવા વાણી-વિલાસ કરે અને કોંગ્રેસ પક્ષને વણમાંગી સલાહ આપે તે યોગ્ય નથી. હકીકતમાં ભાજપ અને તેમના નેતાઓ વચ્ચે હંમેશા પદ ટકાવવા કે પછી નવું પદ મેળવવા માટે કોંગ્રેસ પક્ષ પર ગમે તેવા નિવેદનો કરીને પોતાના ગોડફાધરોની ગુડબુકમાં અટકાવા પ્રયત્નો કરતાં હોય છે.