(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩૦
વડોદરા શહેરના માર્ચ-૨૦૧૯ માં લેવાયેલ ગુજરાત માધ્યમિક બોર્ડ (એસ.એસ.સી.) ઉચ્ચ માધ્યમિક બોર્ડ (એચ.એસ.સી.) સાથે સી.બી.એસ.ઇ. ગ્રેજ્યુએટ, (એન્જીનિયરીંગ) ડિપ્લોમાં ઉચ્ચ કક્ષાએ પાસ થયેલા ૧૭૬ તેજસ્વી વિદ્યાર્થીઓને એવોર્ડ સાથે સન્માનપત્ર બરોડા મુસ્લિમ ડોકટર એસોસીએશન તથા હેલ્પીંગ હેન્ડ અને બઝમે ઇત્તેહાદ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ પંડીત દીનદયાલ ઉપાધ્યાય હોલ આજવા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે શહેરના મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કાર્યક્રમના અધ્યક્ષ હઝરત સૈયદ વાહિદઅલી બાવા સાહેબ (કલ્લા શરીફ) ડા. ઇફતેખારૂદ્દીન (હૈદરાબાદ), ડો. હુસેન નાગામીયા સાહેબ (હાર્ટ સર્જન, ફલોરીડા, યુ.એસ.એ.), કેતુલ માહેરીયા (ડીસ્ટ્રીકટ સ્પોર્ટ ઓફીસર), પઠાણ શાહનવાઝખાન (હેલ્પીંગ હેન્ડ), સૈયદ અસલમ શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆતમાં બરોડા ડોકટર એસો.ના પ્રમુખ ડો. મહંમદહુસેન એ જણાવ્યું હતું કે, ડ્રોપ આઉટ નાબુદ થાય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળી રહે તેમાં મદદરૂપ થવાની નેમ સાથે વિદ્યાર્થીઓને નીડરતાથી આગળ વધી સમાજ અને દેશનું નામ રોશન કરવા જણાવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ હઝરત સૈયદ વાહિદઅલી બાવા સાહેબ એ જણાવ્યું હતું કે, જ્ઞાન એક એવી ચીજ છે જેને જેટલી વહેંચો તેટલો તેમાં વધારો થાય છે. તેમણે ઉપસ્થિત મુસ્લીમ સમાજને કહ્યું કે મુસ્લીમો પોતાને કમજોર ના સમજે મુસ્લિમ કોમ અન્ય કોમ જેટલી મજબુત છે અને હર હંમેશ બરોડા મુસ્લિમ ડોકટર એસો. જેવી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે સમાજ માટે કાર્યરત રહી મદદરૂપ થઇ રહી છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડા. હુસેન નાગામીયા સાહેબ (હાર્ટ સર્જન, ફલોરીડા યુ.એસ.એ.), એ જણાવ્યું હતું કે, માતા-પિતા એ સંતાનનો સાથે ખુલ્લા દિલે વાતચીત કરવી જોઇએ. વિશ્વમાં એવી કોઇ મંઝીલ નથી કે જે હાંસલ કરી ન શકાય હું પણ વડોદરાનો છું. શિક્ષણમાં મહેનત કરી આજે યુ.એસ.એસ. ફલોરીડા હાર્ટ સર્જન તરીકે તબીબી સેવા આપી રહ્યો છું. જ્ઞાન એક એવી ચીજ છે જેને જેટલી વહેંચો તેટલો તેમાં વધારો થાય છે.
આ પ્રસંગે ડા. ઇફતેખારૂદ્દીન, કેતુલ માહેરીયા એ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બરોડા ડોકટર એસો.ના પ્રમુખ ડો. મહંમદહુસેન, ડો. ઇસ્માઇલ પાલા, સૈયદ અમીન, ડો. વસીમ મલીક, ડો. મુબારક, ડો. સલીમ ઉમ્મરજી, ડો. સાદાબ પાનવાલા, સુલેમાન મેમણ, ડો. સાહીદ મીરઝા, ડો. ઇમ્તીયાઝ સૈયદ, ડો. આરીફ કસેરાજા, ડો. ફિરોજ વાઘેલા, ડો. આરીફ મેમણ વગેરે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.વસીમ મલીક એ કર્યું હતું. અંતમાં આભારવિધિ ડો. ઇસ્માઇલ પાલા એ કરી કાર્યક્રમનું રાષ્ટ્રગાન સાથે સમાપન કર્યું હતું.
વિદ્યાર્થીઓને નીડરતાથી આગળ વધી સમાજ અને દેશનું નામ રોશન કરવા ડો.મહંમદહુસેનનો અનુરોધ

Recent Comments