(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદે મંદિરોમાં પડેલી સંપત્તિ સામે પ્રશ્નો ઊભો કરીને ટ્‌વીટ કર્યું કે, વિપત્તિ પીડિતોની મદદમાં ન આવે એવી સંપત્તિ શું કામની ? મંદિરોમાં પડેલ સંપત્તિ કોઈ કામની નથી એને વેચી નાખવી જોઈએ. આ સલાહ માટે ભાજપ સાંસદને ઘણું સાંભળવાનો વારો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના લોકસભા સાંસદ ડો. ઉદિત રાજે મંગળવારે ટ્‌વીટ કરીને દેશના મંદિરોમાં પડી રહેલ સંપત્તિઓ સામે સવાલ ઊભો કર્યો છે. તેમણે ટ્‌વીટમાં કેરળના પૂરપીડિતોનો ઉલ્લેખ કરતા સલાહ આપતા લખ્યું કે કેરળના પદ્માનાભ, સબરીમાલા અને ગુરૂવાયુર મંદિરોમાં પડેલું સોનુ અને સંપત્તિ વેચવામાં આવે તો પૂરગ્રસ્ત સ્થિતિમાંથી ઉગરવા માટે આવશ્યક હજારો કરોડ રૂપિયાથી પાંચ ગણા વધુ રકમ એકત્રિત થશે. પ્રજાએ સહાય માટે સડક પર નીકળવાની જરૂર પડશે નહીં. મંદિરોમાં પડેલી સંપત્તિ આખરે શા કામની ? માનવતા ધોરણે અપાયેલ બીજેપી સાંસદની આ સલાહ અનેક લોકોના ગળામાં કાટાની જેમ ખૂંચી ગઈ છે. ઉદિત રાજના નિવેદનથી લાલચોળ થયેલા લોકોએ એમને હિન્દુ વિરોધી કહ્યા તો કેટલાક લોકોએ એમની જમીન-સંપત્તિ વેચીને ભારતીય સેના ભંડોળમાં આપી દેવાની પણ એમને સલાહ આપી હતી. ડો. ઉદિત રાજ દિલ્હીના ઉત્તર-પશ્ચિમ દિલ્હી લોકસભા ક્ષેત્રથી સાંસદ છે. આ સિવાય ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ એસસી-એસટી ઓર્ગેનાઈઝેશન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. કેરળમાં પાછલા દિવસો આવેલ ભીષણ પૂરે મચાવેલ તબાહી પછી પીડિતો માટેની આર્થિક સહાયમાં આવી રહેલ સમસ્યાને લઈને એમણે આ નિવેદન આપ્યું હતું.