માંગરોળ,તા.૧
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા મુસ્લિમ યુવકનું અપહરણ કરી ગયા હોવાના સમાચાર મળતાં આખુ શહેર ચકડોળે ચડયું હતું. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે કથીત અપહરણ એક નાટક હોવાનું પૂરવાર કરી દેતા શહેરીજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવની વિગત એવી છે કે ગતરાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ માંગરોળના કલોતપૂર વાડી વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય હનીફ અલારખ્ખા બમનું કેશોદ રોડ બાયપાસ ચોકડી પરથી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી ગયા હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા આખા શહેરમાં દહેશત ફેલાઈ ગઈ હતી. અપહરણ થયેલા યુવક હનીફ એ તેમના ભાઈ અને મિત્ર ઈકબાલને ફોન કરી જણાવ્યું હતું કે ત્રણ જણા મને બાયપાસ ચોકડી પરથી કારની ડેકીમા પૂરીને લઈ જાય છે..! કારને ધક્કો મારવાનું કહી મને રૂમાલ સુંઘાડી ડેકીમા પૂરી દીધો છે. આ લોકો મને મારી નાખશે…..! મને બચાવો….! આ સાથે જ વોટ્‌સઅપ અને સોશિયલ મીડિયા પર યુવક ના ફોટા સાથે કોલ રેકોર્ડીંગ વિજળી વેગે વાયરલ થવા લાગતા આખું શહેર ચકડોળે ચડયું હતું. શહેરમાં અનેક પ્રકારની અફવાઓ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો.
બીજીબાજુ વાગ્યે યુવકના મિત્ર ઈકબાલ ઢેકા એ તેમના મિત્ર હનીફનું અપહરણ થયું છે. તેવી માંગરોળ પોલીસને જાણ કરતા, આ બાબતને ગંભીરતાથી લઈ પીએસઆઇ આર. એમ. ચૌહાણ અને ડી.વાય.એસ.પી. હરપાલસિંહ જાડેજા એ તે ફોન ઉપર ટ્રેસ કરી, જુનાગઢ એસપીને જાણ કરી કેશોદ, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટ સહિત ચારે બાજુ ચુસ્ત નાકાબંધી કરી વાહન ચેકીંગ શરૂ કરી હતી. તેમજ તાબડતોબ માંગરોળ પોલીસના પીએસઆઇ આર. એમ. ચૌહાણ, કોન્સ્ટેબલ સૂરેશ ડાફડા, સંજય સિંહ અને પ્રતાપ સિંહની ટીમ જુનાગઢ એલસીબીને સાથે રાખી મોબાઇલ લોકેશન પર પીછો કરી જેતલસર, ગોંડલ, વિરપુર તરફ દોડ મુકી હતી. તે દરમિયાન રાત્રે ૨ વાગ્યે રાજકોટ પોલીસના પીએસઆઇ ડાંગરે માંગરોળ પોલીસને ફોન પર જાણ આપેલી કે હનીફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલો છે. જેથી માગરોળ પોલીશની ટીમ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઇ હતી. આ સમાચાર મળતા લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ માગરોળ પોલીસે હનીફને કસ્ટડીમાં રાખી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા હનીફની સધન પુછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી કે મારૂ કોઈ એ અપહરણ કર્યું નથી. માનસિક ટેન્શનમાં આવી નાટક કર્યું હતું. ઘણાં સમયથી મારી પત્ની રીસામણે હોવાથી હું માનસિક રીતે અસ્વસ્થ હોય. માનસિક પ્રેસરમા આવી આ પગલું ભર્યું હતું.ક