(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૮
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાનું જગજાહેરમાં વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. ધ્રાંગધ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોઢ ગામના વતની એવા ઈન્દ્રસિંહજી ઝાલાની ઘાતકી હત્યાનો બનાવ હરિપર ગામ પાસે બનવા પામ્યો છે. હત્યાના આ સમાચાર વાયુવેગે ધ્રાંગધ્રા અને જિલ્લામાં ફેલાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છવાઈ જવા પામ્યો છે. જેના કારણે બજારો ટપોટપ બંધ થઈ જવા પામેલ છે. તો ધ્રાંગધ્રા પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું છે. આ બનાવ બાદ ઈન્દ્રસિંહ ઝાલાની ડેડ બોડી સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી દવાખાને પી.એમ. માટે લાવવામાં આવેલ હતી. વાહનોનો ખડકલો થવા લાગ્યો હતો અને ભારે રોષ છવાયેલો જોવા મળતો હતો. મૃતકની લાશ પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન કોઢ ગામે લઈ જવામાં આવેલ છે.
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા ખાતે પોપટ ભરવાડ નામના શખ્સની હત્યાના આરોપસર જેલમાં સજા કાપતા ઈન્દ્રસિંહજી ઝાલા, હાલ પેરોલ ઉપર છુટ્યા હતા. બાદમાં ઈન્દ્રસિંહ ઝાલા ઉદયપુર ફરવા માટે ગયા હતા. ત્યાંથી ગઈકાલે સંધ્યા સમયે પરત ધ્રાંગધ્રા આવી રહ્યા હતા ત્યારે હરિપર ગામની પાસે અજાણ્યા શખ્સોએ કારને આંતરી અને અતિક્રૂરતાપૂર્વક ઘાતક હથિયારો વડે હુમલો કરતાં મોત નિપજેલ હતું. જે અંગે ૧પ જણા સામે ફરિયાદ નોંધાઈ છે. હત્યા કરી આરોપીઓ પલાયન થઈ ગયા છે. ત્યારે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
હત્યા કરવાના મામલામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ક્ષત્રિય સમાજમાં ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઈન્દ્રસિંહજી ઝાલાની સ્મશાનયાત્રા પુરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવેલ છે. ત્યારે હાલમાં ધ્રાંગધ્રામાં ભયના ઓથાર હેઠળ જણાયું છે. ત્યારે પોપટ ભરવાડના મર્ડર કેસમાં ઈન્દ્રસિંહજી ઝાલા પેરોલ ઉપર આવ્યા બાદમાં આરોપીઓ દ્વારા પુરા લોકોશન મેળવી અને સમય સુચકતા વાપરી અને હત્યા કરવામાં આવેલ હોવાનું હાલમાં પોલીસ તંત્ર જણાવી રહ્યું છે.
સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં ક્ષત્રિય સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે મોડી રાત્રિના સમયે પોલીસ તંત્ર હોવા છતાં રસ્તાની બંને સાઈડમાં નાખેલ રેલીંગો ઉખેડી નાખવામાં આવેલ હતી. તેમજ શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં કેબિનો તથા વાહનો સળગાવવામાં આવ્યા છે અને રિક્ષા તોડ-ફોડ કરવામાં આવેલ છે. ઉપરાંત સુરેન્દ્રનગર કુંભારપરામાં રહેતા ભરવાડે સમાજના વાહનોમાં પણ ટોળાએ તોડફોડ કરી હોવાનું જાણવા મળેલ છે ત્યારે હાલમાં પોલીસ કુમક ઉતારી દેવામાં આવેલ છે. ટોળાની તોડફોડ કરવાની ઘટના બાદ આજે બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત તમામ બજારો સવારથી જ બંધ રહ્યા છે. પૂર્વ પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલાની ૧પ શખ્સોએ આંતરી હત્યા નિપજાવવામાં આવેલી હતી. જેમાં અજીતસિંહ બચુભા ઝાલા (ઉ.વ.૪૦) રહે. ધ્રાંગધ્રા, નરશીપરા કોઢ રોડવાળાએ હાલમાં ધ્રાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ૧પ શખ્સો હત્યા કરવામાં સામેલ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જેમાં આરોપી તરીકે પરેશ ઉર્ફે મુન્નો ભગવાનજી બારોટ, ગોવિંદભાઈ ભાયાભાઈ મેવાડા, ભીમાભાઈ ઉકાભાઈ મેવાડા, રમેશ ઉર્ફે સાવજ નાનુભાઈ ગલોતર, રાજુભાઈ છેલાભાઈ ભરવાડ, મુન્ના ઉર્ફે સંગ્રામભાઈ ગોકળભાઈ ભરવાડ, ભગવાનભાઈ નાનુભાઈ ગલોતર, જગીભાઈ અરજણભાઈ ડાંગર, રાજુભાઈ રામાભાઈ મેવાડા, રાજુભાઈ ભાયાભાઈ મેવાડા, કમલેશભાઈ રામાભાઈ મેવાડા, ભરત ઉર્ફે થડો દેવાભાઈ ભરવાડ, પરેશ રણછોડભાઈ મેવાડા, ભાવેશ રણછોડ મેવાડા, જેસિંગભાઈ મેપાભાઈ ભરવાડ (તમામ રહેવાસી ધ્રાંગધ્રાવાળાઓમાં, ૧૪ ભરવાડ અને એક બારોટ મળી ૧પ શખ્સોએ ભેગા મળી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.