તમારો વર્ણ, તમારી વંશીયતા અને સંસ્કૃતિ વિશે પ્રબળતાથી ઘણું બધું કહી જાય છે, જે તમને ભેદભાવપૂર્ણ નજરો સમક્ષ એક વ્યક્તિ સાથે સરખામણી કરતાં માપદંડમાં મૂકી દે છે. તમારા વર્ણના આધારે તમને નિરૂપદ્રવી અને ભોટ ગણાવીને ગેરલાયક ઠેરવી દેવામાં આવશે. કેટલાક લોકોની સંકુચિત વિચારસરણી ફક્ત પોતાના ધર્મ, જાતિ, પહેરવેશ અને ખોરાકના કારણે પોતાના જ લોકોના મનમાનસમાં ઉત્પાત મચાવી દે છે અને તેમના મનમાં ભયની લાગણી પેદા કરે છે. આજના વિશ્વમાં અલગ તરી આવવું એ મોટો અપરાધ માનવામાં આવે છે.
આપણે આજે પણ વર્ણભેદ ધરાવતા સમાજમાં જ રહીએ છીએ. આધુનિકતા ફક્ત આપણી જીવનશૈલીમાં આવી છે, વિચારસરણીમાં નહીં. આપણા મનમાનસ પર વર્ણનો એટલો તો પ્રભાવ છે કે, સીધી કે આડકતરી રીતે આપણે નિર્દોષ બાળકોને પણ આ વર્ણભેદનો ભોગ બનાવી દઈએ છીએ. કુદરતના વિશ્વમાં અસમાનતા હોવાથી કોઈ ફરક નથી પડતો પરંતુ આજના ‘અશરફુલ મખ્લુકાત’ના વિશ્વમાં આવું થયું છે જ્યાં પોતાના ફાયદા માટે નિર્દોષ બાળકોના હાથ-પગ કાપી નાંખવામાં આવ્યા હતા.
પ્રસ્તુત તસવીરમાં પશ્ચિમ તાન્ઝાનિયાના પાંચ વર્ષીય બાળક બરાક કોસ્માસ લ્યૂસંબોએ એ ઘટનાનું વર્ણન કર્યું કે તેણે કેવી રીતે પોતાના હાથ ગુમાવ્યા. કેટલાક પુરૂષો તેના ઘરમાં ધસી આવ્યા અને તેની માતાને બેભાન કરીને આ નાનકડા માસૂમ બાળકનો જમણો હાથ તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાખ્યો.
બરાક આલ્બિનિઝમ (રંગહીનત્વ)થી પીડાઈ રહ્યો છે. આલ્બિનિઝમ એવી સ્થિતિ છે. જેમાં વ્યક્તિની ચામડી અથવા આંખોમાં રંગદ્રવ્યો રહેતા નથી. કેટલાક આફ્રિકી દેશો અને તાન્ઝાનિયાના કેટલીક પરંપરાગત સમુદાયોમાં રંગહીનત્વ ધરાવતા લોકોને ‘એલ્બિનો’ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમનામાં જાદુઈ ગુણ હોય છે અને તેના શરીરના અંગો કાળા બજારોમાં હજારો ડોલરમાં વેચાય છે. કારણ કે તેના ઉપયોગથી બનાવેલી ઔષધી લેવાથી વ્યક્તિને ધનલાભ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. અરેરાટી ઉપજે એવી આ માન્યતા છે.
ન્યૂયોર્કના સ્ટેટન આઈલેન્ડની એલિસા મોંટાંટીએ ૧૯૯૭માં ગ્લોબલ મેડિકલ રિલીફ ફંડની શરૂઆત કરી હતી. જેથી સંકટગ્રસ્ત વિસ્તારના બાળકોને કૃત્રિમ અંગો મળી શકે. બરાકની કરૂણ કથા સાંભળીને તેમણે કેનેડાના ‘અન્ડર ધ સેમસન’ નામના સમૂહનો સંપર્ક સાધ્યો, જે તાન્ઝાનિયામાં ‘રંગહીનત્વ’ ધરાવતા લોકો માટે કામ કરે છે. માર્ચમાં બરાક પર હુમલો થયા બાદ સમૂહે બરાકને આશ્રય આપ્યો હતો અને મોંટાંટી તેની મદદ કરવા ઈચ્છતી હતી.
આ સમૂહે મોંટાટીને અન્ય ચાર પીડિતોને કૃત્રિમ અંગ મેળવવામાં મદદ કરવા કહ્યું અને આખરે ચારેય બાળકો સ્ટેટન આઈલેન્ડ ખાતે રહેવા માટે આવ્યા હતા જ્યાં મોંટાંટીની સંસ્થા આવેલી છે. તેમણે ફિલાડેલ્ફિયાની બાળકોની શ્રીનર્સ હોસ્પિટલમાં કૃત્રિમ અંગો માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. મોંટાંટીએ જણાવ્યું કે પીડિતોને તેમના હાથ પાછા મળી શકે તેમ નથી પરંતુ તેમને એવું કંઈક જરૂર મળ્યું છે જે તેમને સાર્થક જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે. જે તેમને અનુભવ કરાવે કે તેઓ કોઈનાથી અલગ નથી કે તેમનામાં કોઈ ઊણપ નથી.
મોંટાંટીએ ગ્રુપ સાથે ઉનાળાના દિવસોમાં બાર્બેક્યુ અને સ્વિમિંગ જેવી અમેરિકન પ્રવૃત્તિઓ કરી અને તેણીએ જણાવ્યું કે આ પાંચેય બાળકો જાણે કે તેના દત્તક બાળકો બની ગયા છે પરંતુ તે બરાકની સૌથી વધારે નજીક છે. મોનિકા વોટ્‌સન તાન્ઝાનિયાના બરાક લ્યૂસાંબોના શરીર પર સનસ્ક્રીન લોશન લગાવી રહી હતી. તે સમયની આ તસવીર છે. તસવીર જોઈને તેમની વચ્ચે રહેલી ઘનિષ્ઠતાનો ખ્યાલ આવી જાય છે.