Tasveer Today

ડ્રોન દ્વારા ઝડપાયેલી વર્ષની શ્રેષ્ઠ તસવીરો

 

નેશનલ જિયોગ્રાફિક દ્વારા ડ્રોનથી લેવામાં આવેલી વર્ષની કેટલીક શ્રેષ્ઠ તે તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં આપણને મંત્રમુગ્ધ કરી દેનારી પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે. અહીં કેટલીક તસવીરો તો એવી છે જેની આપણે કલ્પના સુદ્ધાં ન કરી હોય અથવા તો પ્રકૃતિનું આ રૂપ આપણને કોઈ ફિલ્મી દૃશ્યમાં જ જોવા મળ્યું હોય. આપણી આસપાસ સુંદર અને આકર્ષક પ્રકૃતિ હોય છે જે આપણને સ્વસ્થ જીવન જીવવા માટે એક પ્રાકૃતિક પર્યાવરણ પૂરું પાડે છે.
પ્રથમ તસવીર વિયેતનામમાં આવેલ મેકોંગ મુખત્રિકોણમાં અનેક કમળના પાન વચ્ચે એક નાવિક પોતાની હોડીને બાજુએ મૂકીને ચૂંટી કાઢેલા કમળને હોડીમાં મૂકવા જઈ રહ્યો હતો તે સમયની છે. તસવીરને ખૂબ જ સુંદર એંગલથી લેવામાં આવી છે. જેથી આ તસવીરને એક નજરે જોતા કોઈ સુંદર પેઈન્ટિંગ હોય તેવું લાગે છે.
સ્પેનના કેન્ટાબ્રિયામાં આવેલા સિલિયોમાં લા વિજાનેરા નામક વિન્ટર કાર્નિવલ દરવર્ષે વર્ષના પ્રથમ રવિવારે યોજાય છે. આ કાર્નિવલમાં શિકારીઓનું એક જૂથ હોય છે. જે રીંછને ઝબ્બે કરવા માગતા હોય છે. આ પરંપરાનું ડ્રોન દૃશ્ય બીજી તસવીરમાં આબાદ ઝડપાયું છે.