(સંવાદદાતા દ્વારા)
વલસાડ, તા.૩૧
વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ડીઆરઆઈની એક વિશેષ ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં વાપી, સુરત અને અમદાવાદની ડીઆરઆઈની ટીમોના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો. કંપનીમાં કલાકો સુધી હાથ ધરેલા મેગા ઓપરેશનમાં ૫૦ કરોડથી વધુની કિંમતનું પ્રતિબંધિત ટ્રેમાડોલ નામનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ હતી. જો કે, આ મામલે ડીઆરઆઈ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ મળતી માહિતી મુજબ ગેલેક્સી ફાર્મા નામની કંપનીમાંથી ડીઆરઆઈની ટીમે ૫૨ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ પ્રતિબંધિત ડ્રગ્સને ૈંજીૈંજી ડ્રગ કે ફાઇટર ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનો આતંકવાદીઓ મોટાપાયે ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ૈંજીૈંજી ડ્રગને વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકાર દ્વારા ૨૬ એપ્રિલે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત જાહેર કર્યો હતો અને આ પ્રતિબંધિત દવાઓનો જથ્થો સરીગામની કંપનીમાંથી ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. ડીઆરઆઈની આ કાર્યવાહી દરમિયાન પ્રાથમિક તબક્કે બે લોકોની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ આગામી સમયમાં ડીઆરઆઈની કાર્યવાહી દરમિયાન હાથ ધરવામાં આવેલ આ મેગા ઓપરેશનમાં ૧૦૦ કરોડથી વધુની કિંમતનો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવે તેવી શક્યતાઓ જોવાઇ છે. જો કે, હજુ સુધી આ મામલે સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી.