(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૬
કચ્છના દરિયાકાંઠાનો ડ્રગ ઘૂસણખોરી માટે ઉપયોગ ખૂબ વધ્યો હોવાની પ્રતિતિરૂપે કચ્છના દરિયામાંથી પશ્ચિમ કચ્છ પોલીસ એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમ દ્વારા પાંચ પાકિસ્તાની નાગરિકો પાસેથી ૧૭પ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડતા પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના મોટા ષડયંત્રની કડીઓ મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે, પાકિસ્તાનના દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ એક પાક. બોટ કચ્છના દરિયાકાંઠે તા.પ/૧/ર૦ની રાત્રી સુધીમાં પહોંચવાની છે, તેવી સચોટ બાતમી ગુજરાત પોલીસની એટીએસ અને પશ્ચિમ કચ્છ પોલીસને મળી હતી. જેથી પોલીસની આ બંને ટીમોએ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયામાં કામગીરી કરવાની હોવાથી પોલીસે જખૌ કોસ્ટગાર્ડની એક ટૂકડીને પણ આ ઓપરેશનમાં સામેલ કરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સૌરભ તોલંબિયા પણ ભૂજથી જખૌ ખાતે રાત્રે જ પહોંચી ગયા હતા અને જખૌના દરિયામાં સામે પારથી આવી રહેલી પાક. બોટને મધ્ય દરિયે આંતરી લેવાઈ હતી. બોટમાંથી પાકિસ્તાનના કરાંચીના વતની પાંચ ઈસમો પાસેથી રૂા.૧૭પ કરોડની કિંમતનું ૩૬ પેકેટ ડ્રગ્સ કબજે લેવાયું હતું.
આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે હજુ કોઈપણ વિગતો આપવા તૈયારી બતાવી નથી, પરંતુ ગુપ્ત સૂત્રોની માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી લવાયો હતો અને તેને બોટ મારફતે ગુજરાતમાં પહોંચાડવાનો હતો. પકડાયેલી બોટ અને પાંચ પાકિસ્તાની શખ્સો માત્ર ડિલિવરી કરવાના હતા. ડ્રગ્સ સપ્લાયર્સ મોટા ડ્રગ માફિયાઓ હોવાનું અનુમાન છે.
બીજી તરફ ગુજરાતમાં આ ડ્રગ્સનો જથ્થો કોણ રિસિવ કરવાનું હતું ? આ દિશામાં હજુ કોઈ સ્પષ્ટ કડી મળી નથી, પરંતુ પકડાયેલ પાંચ પાકિસ્તાનીઓની પૂછપરછમાં આ વિગતો ખૂલશે. અત્રે નોંધનીય છે કે, કચ્છના જખૌ સાગરકાંઠે અગાઉ પણ આ પ્રકારના ડ્રગ્સના પેકેટ પકડાઈ ચૂક્યા છે. કચ્છના દરિયા કિનારે ઈરાન અને પાકિસ્તાન તરફથી ડ્રગ્સના મોટાપાયે જથ્થાની ગુજરાતમાં અને ભારતમાં ઘૂસણખોરી થતી હોવાની વાત હવે જગજાહેર થઈ છે અને આ ડ્રગ્સ થકી ભારતનું યુવાધન ડ્રગ્સના નશામાં બરબાદ પણ થઈ રહ્યું છે. દરમિયાન, આ ઓપરેશન જખૌના મધદરિયે હાથ ધરાયું હતું, જેથી પકડાયેલ પાંચ આરોપીઓનો જખૌ કોસ્ટગાર્ડે કબજો મેળવ્યો છે. ફરિયાદ નોંધવા અને ઉચ્ચ કક્ષાએ તજવીજ ચાલુ છે.

પકડાયેલ પાકિસ્તાની આરોપીઓના નામની યાદી

કચ્છના સાગરકાંઠેથી ૧૭પ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ આ જથ્થો લાવનાર પાંચ પાકિસ્તાની શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. પાંચેય પાક. નાગરિકના નામ પોલીસે જાહેર કર્યા છે, જે મુજબ (૧) અનિશ ઈશા ભટ્ટી (ઉ.વ.૩૦), (ર) ઈસ્માઈલ મોહમ્મદ કચ્છી (ઉ.વ.૫૦), (૩) અશરફ ઉસ્માન કચ્છી (ઉ.વ.૪૨), (૪) કરીમ અબ્દુલ્લા કચ્છી (ઉ.વ.૩૭), (પ) અબ્દુલ અશરફ સુમરા (ઉ.વ.૫૫)નો સમાવેશ થાય છે. તમામ પાકિસ્તાનના કરાંચીના રહેવાસી છે.