(એજન્સી) તા.૩૧
જુદા જુદા ધર્મના લોકો વચ્ચે પ્રેમભાવ વધે અને સંબંધો તથા એકબીજાના ધર્મમાં વિશ્વાસ વધે તે હેતુસર અને ઝાયેદ અભિયાનના ભાગરૂપે દુબઈમાં ઈસ્લામિક માહિતી કેન્દ્ર ખાતે આયોજિત ભવ્ય ઈફ્તાર પાર્ટીમાં જુદા જુદા ધર્મના લોકો એટલે કે બિન મુસ્લિમોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું શીર્ષક ‘આવો અમારી સાથે રોઝાના ઈફ્તારમાં જોડાવો’ આપવામાં આવ્યું હતું. અહીં લોકોને કહેવામાં આવ્યું હતું કે તમામ બિન મુસ્લિમો અમારી સાથે આ ભવ્ય ઈફ્તારમાં જોડાય અને તેઓ અમારા પવિત્ર રમઝાન વિશે માહિતી મેળવે અને મુસ્લિમોની જેમ સાંજે ઈફ્તાર કરે. ઈસ્લામિક ઈન્ફર્મેશન સેન્ટરના ડિરેક્ટર રાશિદ અલ જુનૈબીએ આ કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે માહિતી આપતાં કહ્યું હતું કે અમારી સરકાર હંમેશા ફક્ત એક જ કેન્દ્રીય મુદ્દા પર ધ્યાન આપે છે કે યુએઇમાં વસતાં તમામ સમુદાયના લોકો વચ્ચે પ્રેમભાવ વધે અને તમામ ધર્મના લોકો એક સાથે મળીને રમઝાનની ઉજવણી કરે અને અમારી સાથે જોડાય. અમારા રમઝાન મહિનાની પવિત્રતાનો અનુભવ કરે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમનું આયોજન દાર અલ બેર ઓડિટોરિટમ ખાતે કરવામાં આવ્યું હતું. જોકે અહીં લક્ઝુરિયસ અમીરાતી બુફેટ સાથે મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને જમવાનું આયોજન કરાયું હતું. અલ જુનૈબીએ કહ્યું હતું કે આ દુનિયાના અનેક ભાગોમાં ઘણાં એવા બિન મુસ્લિમ લોકો છે જે રમઝાન મહિનામાં રોઝા રાખે છે અને એવા જ લોકોને અમે આ કાર્યક્રમ દ્વારા લાભ પહોંચાડવા માગીએ છીએ. અમે યુએઈમાં તમામ સમુદાયના લોકોને એકજૂથ કરી રાખવા માગીએ છીએ.