(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગઈકાલે દૂધબંધી કરી રસ્તાઓ ઉપર દૂધ ધોળીને વિરોધ પ્રદર્શન કરનારા અલ્પેશ ઠાકોર ઉપર હાર્દિક પટેલે પ્રહાર કરતાં કહ્યું છે કે, અલ્પેશ ઠાકોર દહીં અને દૂધમાં પગ મૂકી રાજનીતિ રમી રહ્યો છે.
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ખેડૂતોના દેવા માફ કરવા માટેના આંદોલનમાં પાસના સભ્યો સામે કેસ કરવામાં આવ્યા. જ્યારે અલ્પેશ ઠાકોર સામે કોઈપણ કેસ કરવામાં આવ્યો ન હોવાથી અલ્પેશ ઠાકોર રાજનીતિ રમી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દારૂબંધીનું આંદોલન ચલાવનારા અલ્પેશ ઠાકોર દહીં અને દૂધમાં પગ મૂકી રાજનીતિ રમી રહ્યો છે. લડાઈ મજબૂત બનીને લડીએ તો લોકોને વિશ્વાસ આવે. હિંમતનગર ખાતેની રેલીમાં તમામ લોકો ગયા હતા. પરંતુ કેસ ફકત પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર રવિ પટેલ વિરૂદ્ધમાં જ કેમ ?? અલ્પેશ ઠાકોર કંઈ પણ કરે તો પણ કોઈ જ કેસ કરવામાં આવતો નથી. સરકાર સાથે રહીને રાજકારણ જનતાને મૂર્ખ બનાવીને ના થાય આંદોલન જનતાના હિત માટે હોય આંદોલન મર્દ બનીને સરકારના અત્યાચાર સામે હોય નહીં કે નેતાગીરી બનાવા માટે. અલ્પેશના આંદોલનનો વિરોધ નથી. પરંતુ આંદોલન દરમિયાન સાથ આપતા સંગઠનના આગેવાનો પર કેસ કેમ ?? દૂધ અને દહીંમાં પગ રાખતા લોકો જનતાનું નહીં પણ પોતાનું સારું કરે છે. તેવો અલ્પેશ ઠાકોર ઉપર સણસણતો આક્ષેપ હાર્દિક પટેલે કરતાં મામલો ગરમાયો છે.
હાર્દિકે વિચારીને નિવેદન આપવા જોઈએ : અલ્પેશ

આંદોલન સમયે હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યા બાદ બંને આમનો સામને આવી ગયા છે. હાર્દિક પટેલે કરેલા આક્ષેપનો વળતો જવાબ આપતા મીડિયાને જણાવ્યું હતું કે હું કઈ રીતે દૂધ અને દહીંમાં પગ રાખું છું તે હાર્દિક સમજાવે. હાર્દિક પટેલ રાજનીતિમાં ખૂબ જ નાનો છે. હાર્દિક પટેલે વિચારીને નિવેદન આપવા જોઈએ. આપણી સરકારની વ્યવસ્થા સામે લડવાની વાત છે.