દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર૩

રાજ્યમાં વરસાદના આગમનને પગલે હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે.  જામનગર, અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, સુરત જિલ્લા સહિતના રાજયમાં ઠેરઠેર વરસાદ પડતા હવામાનમાં ઠંડક વર્તાઈ હતી. અમદાવાદ શહેરમાં પણ સાંજે સારો એવો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાજયના મોટા ભાગના  વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. આ સાથે રાજયના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજયમાં આજે વરસાદનું વિધિવત આગમન થયું હોય તેમ ઠેર ઠેર વરસાદ પડયાના અહેવાલો છે. જામનગરના ભાણવડમાં એક ઈંચ જેટલો સારો એવો વરસાદ વરસ્યો છે જયારે  નર્મદા, સુરત અને ગોધરા તથા વડોદરામાં પણ  વરસાદ પડયો છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં વરસાદ પડતા  લોકોએ રાહત અનુભવી હતી. રાજયમાં હજુ વરસાદ પડવાની આગાહી પણ  કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં આજે હવામાનમાં પલટા વચ્ચે ઘણી જગ્યાએ વરસાદ થયો હતો. બીજી બાજુ કચ્છમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ રહી હતી.   હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દિવના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી વાદળા રહ્યા બાદ આજે લોકોને ગરમીથી રાહત મળી હતી. વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાટણમાં વરસાદની શરૂઆત થઇ હતી. બીજી બાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. બનાસકાંઠાના ધાનેરામાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ મોટાનાયકા ગામે વિજળી પડતા બે પશુઓના મોત થયા છે. સરસ્વતી તાલુકાના વાગડોદમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. બીજી બાજુ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે. ધોધમાર વરસાદ પડતા લોકોને રાહત થઇ છે.

અમદાવાદ શહેરમાં આજે મોડી સાંજે જોરદાર વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને છેલ્લા કેટલાક દિવસથી ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. આજે મોડી સાંજે જોરદાર વરસાદની શરૂઆત થઇ હતી જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તીવ્ર ગરમીનો અનુભવ લોકો હાલ કરી રહ્યા હતા. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ગાજવીજ સાથે તથા પવન સાથે વરસાદનો દોર હવે જારી રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૯.૨ અને લઘુત્તમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને મોડી સાંજે વરસાદની શરૂઆત થઇ હતી. શહેરના વિજય ચાર રસ્તા, નારણપુરા, નવરંગપુરા, ડ્રાઇવિંગ રોડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો.

જો કે હજુ સુધી મોનસુનની વિધિવતરીતે એન્ટ્રી થઇ નથી. ૨૪મી તારીખ આપવામાં આવી છે ત્યારે એક દિવસ પહેલા વરસાદની શરૂઆત થઇ હતી. પાલડી, ઘાટલોડિયા, ગોમતીપુર, આશ્રમરોડમાં ધોધમાર વરસાદ થયો છે. પૂર્વના વિસ્તારોમાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. ગુરુકુળથી ડ્રાઇવઇન રોડને પાણી ભરાવવાના કારણે બંધ કરવાની ફરજ પડી હતી. લોકોને પણ જુદી જુદી જગ્યાઓએ અટવાઈ જવાની ફરજ પડી હતી.