(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
રિંગરોડ સ્થિત ન્યુ વિપ્રા ટેક્ષટાઇલ માર્કેટની એક દુકાનમાં પાંચથી સાત જેટલા ઇસમોએ ઘૂસી જઇ વેપારીને ધાક ધમકી આપી તોડફોડ કરી હતી. જો કે બદમાશોએ દુકાનમાંથી કાપડ સહિતની સામગ્રી મળી કુલ રૂા.૧૨.૭૪ લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. શહેરના લિંબાયતના ગોડાદરા આસપાસ મંદિર ખાતે શ્યામ સૃષ્ટીનગરમાં રવિભાઇ રંજનભાઇ ઠાકુર પોતાના પરિવાર સાથે રહે છે અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રિંગરોડના કિન્નરી સિનેમાની બાજુમાં આવેલી ન્યુ વિપ્રા ટેક્ષટાઇલ માર્કેટમાં રવિ ઠાકુરની કાપડની દુકાન આવેલી છે. ૨૨મી સપ્ટેમ્બરના રોજ નિકંુજ રમણ પટેલ, સ્નેહન રમણ પટેલ, રમણ પટેલ, પિનુ પટેલ સહિત સાતેક જેટલા યુવકો તેઓની દુકાનમાં ઘૂસી ગયા હતા. દુકાનમાં ઘૂસી આવી રવિ ઠાકુર સાથે ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ કાતર બતાવી થર્ડ પાર્ટીના ચેક નંગ-૧૨ , એટીએમ કાર્ડ, એલસીડી, તાકાનું કાપડ, સીપીયુ, મોબાઇલ, સોનાની વીંટી, ચેઇન તથા ઘડિયાળ મળી કુલ રૂા.૧૨.૭૪ લાખની મતા બળજબરીથી દમદાટી આપી તેઓ લઇ ગયા હતા અને દુકાનમાં તોડફોડ પણ કરી હતી. આ બનાવ અંગે રવિ ઠાકુરની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે આઠેક જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.