(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૪
ભાવનગર શહેરના દિવાનપરા રોડ ઉપર આવેલી એન્ટીક મેન્સવેર દુકાનમાં ગત મોડી રાત્રે માણેકવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત ભરવાડ લાલા અમરાના પુત્ર અંકુશ અને તેના ત્રણ મિત્રોએ દુકાનમાં આવી રૂા.પ હજારની કિંમતના ચાર જોડી કપડા લઈને પૈસા આપ્યા વગર ચાલવા લાગતા દુકાન માલિક અદનાનભાઈ કાચવાલાએ અંકુશ ભરવાડ પાસે પૈસા માંગતા તેણે અને તેના મિત્રએ ઉશ્કેરાઈ જઈ દુકાનદારને માથાના ભાગે ધોકા મારતા ગંભીર રીતે ઘવાયેલા અદનાનભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉક્ત શખ્સોએ વેપારીને માર મારી દુકાનના કાચના બારણા તોડી નાખ્યા હતા અને ગલ્લામાંથી રોકડા રૂા૧પથી ર૦ હજારની લૂંટ ચલાવી ઉક્ત શખ્સો નાસી ગયા હતા. આ બનાવની મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાતા અને બનાવની જાણ થતા ગંગાજળીયા પોલીસ મથકના પીઆઈ કે.સી. ઝાલા, એલસીબી પીઆઈ લીલાવાલા, એસઓજીના ઈન્ચાર્જ પીએસઆઈ જાડેજા અને સિટી ડીવાયએસપી મનીષ ઠાકર સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે લૂંટ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.