(એજન્સી) બેંગલુરુ, તા. ૭
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય ગરમીનો પારો ઉંચે જ જઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચેના શાબ્દીક યુદ્ધમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ પર સામેલ થઇ ગયા છે. રાહુલ ગાંધી પછી હવે ડો.સિંઘે પણ નોટબંધીથી માંડીને વિભિન્ન મુદ્દાઓ અંગે મોદી સામે આકરા પ્રહારો કર્યા છે. ડો.સિંઘે મોદી સામે નીચલા સ્તરની ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો છે અને જણાવ્યું છે કે મોદી જેવી ભાષાનો દેશના અન્ય કોઇ પણ વડાપ્રધાને ક્યારેય ઉપયોગ કર્યો નથી. મોદીનો વ્યવહાર વડાપ્રધાન જેવો નથી. એક વડાપ્રધાન માટે આટલું નીચે પડવાનું ઠીક નથી. દેશ માટે આ સારી વાત નથી. જોકે, ડો.મનમોહનસિંઘે એવી આશા પણ વ્યક્‌ત કરી છે કે હવે પીએમ મોદી બોધપાઠ લેશે અને સમાજના ધ્રુવીકરણનો પ્રયાસ કરશે નહીં. મોદી દેશના વડાપ્રધાનપદની ગરિમા જાળવી રાખશે અને તેને અનુરુપ નિવેદન કરશે.
પંજાબ નેશનલ બેંક (પીએનબી)ને ચુનો લગાડીને દેશમાંથી નાસી ગયેલો હીરાનો વેપારી નીરવ મોદી અંગે ડો.સિંઘે જણાવ્યું કે નીરવ મોદીની વાત છે ત્યાં સુધી ચોક્કસપણે એવું કહી શકાય છે કે ૨૦૧૫-૧૬માં તે ડીલ કરી રહ્યો હતો અને તેની સાથે કંઇક રંધાઇ રહ્યું હતું પરંતુ મોદી સરકારે કશું જ ન કર્યું. આ બાબત મોદી સરકારના વન્ડરલેન્ડની દુઃખદ સ્થિતિ બતાવે છે. વડાપ્રધાન મોદી સાથે દાવોસમાં ત્યારે નીરવ મોદી કંપની પણ તેમની સાથે હતી અને થોડાક દિવસ પછી નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો. તેમણે એવું પણ જણાવ્યું કે નીરવ મોદી પ્રકરણમાં આંખઆડા કાન કરવા બદલ કેન્દ્ર સરકાર જવાબદાર છે.
ડો.મનમોહનસિંઘે મોદી સરકારના નોટબંધી અને જીએસટી ઉતાવળે લાગુ કરવાના નિર્ણય અંગે પણ આકરા પ્રહરો કર્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકાર તરફથી ખોટી રીતે લાગુ કરાયેલી નોટબંધી અને જીએસટીથી બચી શકાતું હતું. આ નિર્ણયોને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થયું છે અને હજારો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે. તેમણે એવું પણ જણાવ્યું કે મોદીએ ચાર વર્ષમાં યુપીએ સરકારની સફળતાઓ પર યશ ખાટવાનું કામ કર્યું છે. ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, એક જ માણસ પાસે બધી બુદ્ધી હોઇ શકે નહીં. પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે મોદી સરકાર સામે પ્રહાર કરતા ડો.સિંઘે જણાવ્યું કે મોદી સરકારના રાજમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૧૧૦ ટકાનો વધારો થયો છે.
દેશમાં બંને ઇંધણના ભાવ રેકોર્ડ સ્તરે ઉંચા છે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ૨૦૧૪ કરતા ૫૦ ટકા ઓછા છે. કેન્દ્ર સરકારે લોકો પર સતત ટેક્સનો બોજો વધાર્યો છે. કેટલાક લોકોને લાભ પહોંચાડવા માટે પ્રજા પાસેથી ઉંચા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે દેશમાં બેંકોની હાલત કફોડી થઇ ગઇ છે. બેંકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે અને કૌભાંડકારો વિદેશમાં મોજ કરી રહ્યા છે. મોદી સરકારની બિનઆવડતને કારણે બેંકિંગ વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે.