(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
ડુમસ ગામના આંબલી ફળિયામાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડા પાડી જુગાર રમતા પાંચ માલેતુજારોની ધરપકડ કરી ત્રણ લકઝરીકાર સહિત રૂ. ૧૧.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કયો હતો. જ્યારે સચીન જીઆઈડીસી પોલીસે પણ જુગારધારા અન્વયે દરોડા પાડી ૧૩ જુગારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડુમસ ગામ આંબલી ફળિયાકુણાલ રમેશભાઈ પટેલના ઘરની પાછળ ખુલ્લા વાડામાં ધમધમતા જુગારના અડ્ડા ઉપર ડુમસ પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. જુગાર રમતા કલ્પેશ કનૈયાલાલ પટેલ, હર્ષદ વિનોદ પટેલ, રવિ અશોક પટેલ, કૃણાલ રમેશ પટેલ નવીન છીમકા પટેલની ધરપકડ કરી હતી. પોલીસે રોકડા રૂપિયા ૩,૨૫,૫૦૦ પાંચ મોબાઈલ ફોન, ૩ કાર મળી કુલ્લે રૂ. ૧૧,૭૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે સચીન જીઆઈડીસી પોલીસે ઉન પાટિયા શાહિલ નગરમાં દરોડા પાડી જુગાર રમતા કયુરસિંગ ભગવાનદીન, સુનિલ પ્રેમનારાયણ, લાલસિંગ છોટોભાઈ, ઈન્દુપાલ જગન્નાથ, રિન્કુ રાજારામ, જયદીપ કલ્યાણ, મહેન્દ્રસિંગ બલદેવ, રામબાબુ લલ્લુ પ્રસાદ, સંતોષ શ્રીખરગુપ્રસાદ, રામદત કમલેશબાબુ, ભુપસિંગ, ભગવાન દીન, જગપાલ છોટેલાલ, પપ્પુ વાસુદેવ કેવટની ધરપકડ કરી રોકડા રૂ. ૧૭,૫૦૦ કબજે કર્યા હતા.