(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૪
શહેરના નાગરવાડા વિસ્તારમાં મહાનગર પાલિકાના ડમ્પરની અડફેટે આજે બપોરે સાયકલ પર જઇ રહેલા શાળાનાં ૧૩ વર્ષિય વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. કારેલીબાગ પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના હાથીખાના વિસ્તારનાં ગેંડા ફળિયામાં રહેતો મુઝમ્મીલખાન ઇમરાનખાન પઠાણ નાગરવાડા વિસ્તારમાં આવેલી એમ.ઇ.એસ. હાઇસ્કૂલમાં ધો.૮ માં અભ્યાસ કરતો હતો. આજે બપોરે ૧૨ વાગે સ્કુલ છુટયા બાદ પોતાની સાયકલ લઇને ઘર તરફ જઇ રહ્યો હતો. તે વખતે નાગરવાડા કાસમઆલા મસ્જીદ પાસે ડમ્પરની અડફેટે આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકટોળા ભેગા થઇ ગયા હતા. એક વિદ્યાર્થીનું મોત નિપજતા શહેરની શાળાઓનાં વિદ્યાર્થીઓમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.