અમરેલી, તા.૫
રાજુલાના ડુંગર ગામના દલિત યુવકના કસ્ટોડીયલ ડેથ મામલે ડુંગર ગામના ૧૦૦ જેટલા દલિત પરિવારના લોકોએ કલેકટર કચેરીથી રેલી સ્વરૂપે નીકાળીને ઠેબી ડેમે હિંદુ દેવી દેવતાઓના ફોટાને ડેમમાં પધરામણી કરીને હિંદુ ધર્મનો ત્યાગ કરીને બોદ્ધ ધર્મ અંગીકાર કરવાની કાર્યવાહી આરંભી હતી.
અમરેલીની સબજેલમાં ડુંગરના દલિત યુવક જીગ્નેશ સોંદરવાનું ૧૪ જૂનના રોજ કસ્ટોડીયલ ડેથ થતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠયો હતો ૪૮ કલાક સુધી વહીવટી તંત્ર સામે દલિત યુવાનની લાશ ન સ્વીકારીને પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ અમરેલી એલ.સી.બી.એ ૪ આરોપીઓને અમરેલીની સબજેલમાંથી ધરપકડ કર્યા બાદ હજુ પણ દલિત પરિવારમાં રોષ હોવાથી આજે ડુંગરના જીગ્નેશ સોંદરવાના પરિવારના ૧૦૦ જેટલા સ્ત્રી-પુરુષોએ ગઈકાલે બોદ્ધ ધર્મ અંગીકાર કરવાના કલેકટરમાંથી ફોર્મ ઉપાડ્યા બાદ આજે હિંદુ ધર્મના દેવી-દેવતાઓના ફોટા લઈને કલેકટર કચેરીથી ૫ કી.મી. દુર ઠેબી ડેમ સુધી પગપાળા પદયાત્રા યોજીને દલિત પરિવારના ૧૦૦ જેટલા વ્યક્તિઓએ દેવી દેવતાઓની તસ્વીરો સન્માન પૂર્વક જળાશયમાં પધરાવીને હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો.
છેલ્લા ૨૧ દિવસથી ડુંગરના દલિત પરિવારની માગણી મુજબ વહીવટીતંત્ર દલિત સમુદાયને અન્યાય કરી રહ્યુ હોવાની અનુભૂતિ સાથે આજે રેલી સ્વરૂપે દલિત પરિવાર ઠેબી ડેમે પહાંેચીને હિંદુ દેવી-દેવતાઓની તસ્વીરોને ડેમમાં અર્પણ કરીને બોદ્ધ ધર્મ સાથે નાતો જોડતા દલિત અગ્રણી અને વકીલ નવચેતન પરમારે જણાવ્યું હતું કે ઉના દલિત અત્યાચાર કાંડ થી લઈને આજ સુધી દલિત સમાજ પર અત્યાચાર અટકવાનું નામ લેતા ન હોવાથી હિંદુ સમાજની રૂઢીગત માન્યતાઓને કારણે જાતીગત હિંસાઓ બંધ ન થતા ડુંગરના દલિત શોષિત પરિવાર સહિતના લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બોદ્ધ ધર્મ અંગીકાર કરવાની કાર્યવાહી હાથ ધરી દીધી છે ત્યારે આગામી દિવસોમાં ઉનાકાંડની જેમ દલિત સમુદાય બોદ્ધ ધર્મ તરફ વળી રહયા છે.