નવી દિલ્હી, તા. ૨૧
સર્વોચ્ચ અદાલતે ઉત્તરપ્રદેશની યોગી સરકારને ફટકાર લગાવતા તાજમહેલ પાસે મલ્ટિ લેવલ પાર્કિંગ બનાવવા માટે ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ‘‘તાજમહેલ દુનિયામાં એક જ છે, એકવાર બરબાર થઇ જતાં તેને ફરી બનાવી શકાશે નહીં’’ સુપ્રીમે તાજમહેલ અને તેની પાસેના વિસ્તારોમાં તાજ ટ્રેપોઝિયમ ઝોનની સુરક્ષા માટે ઉત્તરપ્રદેશ સરકારની આ યોજના અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાજમહેલના ૫૦૦ મીટરના દાયરામાં ગાડીઓ ચલાવવા પર પાબંદી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, યુપી સરકાર તાજમહેલની પૂર્વ દ્વારથી એક કિલોમીટર દૂર એક બહુસ્તરીય પાર્કિંગ બનાવવા માગે છે. સરકારે તર્ક આપ્યો છે કે, પાર્કિંગની અછતને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા ઘેરી બની છે. આ અંગે અદાલતે કહ્યંુ કે, તમે ચાહો તો આનો માર્ગ શોધી શકો છો પણ તેના માટે ઇચ્છાશક્તિ જોઇએ.