દુબઈ,તા.૨૬
રૂ. ૧.૨૩ અબજની કિંમતના વિશ્ર્‌વના સૌથી મોંઘા જૂતાંની જોડી યુએઈમાં તૈયાર કરવામાં આવી છે અને આજે તેને વેચાણાર્થે મૂકવામાં આવશે, એમ મંગળવારે પ્રસારમાધ્યમના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
હીરા અને સુવર્ણથી બનેલા આ લક્ઝરી જૂતાં નવ મહિનાના સમયગાળામાં તૈયાર કરવામાં આવ્યા હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. રૂ.૧.૨૩ અબજની કિંમતનાં આ જૂતાંમાં સેંકડો હીરા મઢવામાં આવ્યા હોવા ઉપરાંત તેમાં ૧૫ કૅરેટના બે હીરા પણ અલગથી જડવામાં આવ્યા છે.
અહેવાલમાં જણાવ્યાનુસાર યુએઈસ્થિત બ્રાન્ડ જૅડા દુબઈએ પૅશન જ્વેલર્સ સાથે મળીને આ જૂતાં તૈયાર કર્યા છે અને આજે વિશ્ર્‌વની એકમાત્ર સૅવન સ્ટાર હૉટલ બુર્જ અલ અરબ ખાતે વેચાણાર્થે મૂકવામાં આવશે. વિશ્ર્‌વનાં સૌથી મોંઘા જૂતાં હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે.
અગાઉ ૧.૫૧ કરોડ ડૉલરની કિંમતનાં ડૅબિંગ વિન્ગહામ હાઈ હીલને વિશ્ર્‌વનાં સૌથી મોંઘા જૂતાં લેખવામાં આવતાં હતાં. ર વેચાણ બાદ જૂતાં ગ્રાહકની જરૂરિયાત મુજબ તેની સાઈઝનાં બનાવી આપવામાં આવશે અને તેમાં આ તમામ અલંકારો જડી આપવામાં આવશે. વિશ્ર્‌વમાં જૂતાંની આવી એક જ જોડી હશે. વિશ્ર્‌વના માલેતુજારો અને ગણતરીના વીવીઆઈપીઓ સહિત માત્ર ૫૦ જેટલા લોકોને જ આ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.