(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
ટ્રાફિક પોલીસનો ડ્રેસ પહેરી લઇ અસલી પોલીસનો રોફ જમાવવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને અસલી પોલીસે દબોચી લેતા નકલી પોલીસનો પર્દાફાશ થયો હતો. ફતેગંજ પોલીસે મુકેશ બામણીયા અને જગદીશ પુરવારની ધરપકડ કરી હતી આજે બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતીનુસાર ફતેગંજ પોલીસ મથકના સ્ટાફના પોલીસમેનો બપોરના સમયે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. નિઝામપુરા ઘેલાણી પેટ્રોલ પંપ પાસે ટ્રાફિક વિભાગની વર્ધી પહેરેલા બે પોલીસમેનો નજરે પડ્યા હતા અને પોલીસમેનોની શંકાસ્પદ વર્તણૂકને જોઇ અસલી પોલીસ સ્ટાફે તેઓને આંતરી લીધા હતા. ત્યાર પછી અસલી પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.
અસલી પોલીસ સમક્ષ ટ્રાફિક વિભાગના પોલીસ મેનનો ડ્રેસ પહેરીને ઉભેલા બંને અજાણ્યા શખ્સો પડી ભાંગ્યા હતા. પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. નકલી ટ્રાફિક પોલીસ રોફ જમાવી કોઇ ખેલ પાર પડે તે પૂર્વે અસલી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. ફતેગંજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે મુકેશ રમેશભાઇ બામણીયા (રહે.દરજીપુરા ઝૂંપડામાં મૂળ રહે. ઇન્દૌર મધ્યપ્રદેશ) તથા જગદીશ જેસીંગ પુવાર (રહે. ખેમાણા ઇન્દૌર)ની ધરપકડ કરી હતી.