(એજન્સી) મુંબઈ, તા.૬
સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના કથિત બનાવટી એન્કાઉન્ટરની ટ્રાયલ દરમિયાન જે પોલીસે તુલસીરામને ગોળી મારી હતી. એમણે કહ્યું કે, મેં સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. જે અધિકારીએ સોહરાબુદ્દીનને ગોળી મારી હતી. એમણે કહ્યું કે, હું એન્કાઉન્ટરના સ્થળ ઉપર હાજર જ ન હતો. કોર્ટ સમક્ષ આરોપીઓએ પોતાની દલીલો ચાલુ રાખી હતી. ગુજરાત પોલીસના આશિષ પંડ્યાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી જણાવ્યું કે, ર૭મી ડિસેમ્બર ર૦૦૬ના રોજ મને સંદેશો મળ્યો કે મારે રાજસ્થાન પોલીસની ટીમ સાથે સામેલ થવું છે જે જેલમાંથી ભાગેલ કેદી (તુલસીરામ)ની શોધ કરી રહી છે. પંડ્યાએ દાવો કર્યો છે કે સર્ચ દરમિયાન ર૮મી ડિસેમ્બર ર૦૦૬ના રોજ હું તુલસીરામ અને એના બે સાગરિતો સાથે સામસામા ગોળીબારમાં ફસાયો હતો અને સ્વબચાવમાં મેં ગોળીબાર કર્યો. જેમાં તુલસીરામ ઈજા પામ્યો અને અમે પોલીસો એમને હોસ્પિટલ લઈ ગયા જ્યાં એ મૃત્યુ પામ્યો. આ પૂર્વયોજિત એન્કાઉન્ટર ન હતું જે રીતે સીબીઆઈ દાવો કરી રહી છે. સીબીઆઈએ દાવો કર્યો કે પંડ્યા જે-તે સમયે રજા ઉપર હતો ત્યારે એમને વણઝારાએ સૂચના આપી કે રજા રદ કરી એન્કાઉન્ટર ટીમમાં જોડાવો. સીબીઆઈએ આક્ષેપો કર્યા છે કે, પંડ્યાએ પોતાને પણ ઈજા કરી હતી જેથી એન્કાઉન્ટર સાચો જણાય. જો કે પંડ્યાએ કહ્યુ ંકે, મેં ક્યારે પણ પોતાને ઈજા કરી ન હતી. સ્પે. જજે ફરિયાદ પક્ષને પૂછ્યું કે, તમે એવા કોઈ પુરાવા મેળવ્યા છે જેનાથી વણઝારા અને પંડ્યા વચ્ચેની વાતચીત સાબિત થતી હોય. કોર્ટે કહ્યુંં એવા કોઈ પુરાવા રજૂ કરાયા નથી. જેથી જાણવા મળે કે પંડ્યાએ વણઝારાના કહેવાથી રજા રદ કરી હતી અથવા બંને વચ્ચે કોઈ વાતચીત થઈ હતી.