(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩૧
શહેરના બે યુવાનો દિલ્હી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પરિષદનાં ધો.૧૦ તથા ૧૨ ના સર્ટીફીકેટો બનાવી વેચતા હોવાની મળેલ બાતમીને આધારે પાણીગેટ પોલીસે બંને જણાંને ૧૪૨ બોગસ સર્ટીફીકેટ, લેપટોપ, મોબાઇલ ફોન મુદ્દામાલ કબ્જે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત અનુસાર, પાણીગેટ પોલીસને બાતમી મળી હતી કે, શહેરના બાપોદ ગામમાં આવેલ રૂદ્રાક્ષ રેસીડેન્સીમાં રહેતો દિપક ગોવિંદભાઇ પટેલ તથા વાઘોડીયા રોડ પર આવેલ રણછોડપાર્ક સોસાયટીમાં રહેતો હરેન્દ્ર સોમસિંહ ગોહિલ દિલ્હી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ પરિષદનાં ધો.૧૦ તથા ૧૨ ના ડુપ્લીકેટ સર્ટીફીકેટ રૂા.૭૦૦ માં વેચે છે. આ સર્ટીફીકેટ હરેન્દ્ર ગોહિલની રાવપુરા કોઠી પોળ ખાતે આવેલ તુલસી બિલ્ડીંગના પહેલા માળે ઓફિસમાં કલર પ્રિન્ટ કઢાવી વેચતા હતા. આ બાતમીને પગલે પોલીસે હરેન્દ્રનાં ઘરે આજે રેડ કરી તપાસ હાથ ધરતા ધો.૧૦ અને ૧૨ નાં ૧૪૨ નંગ બોગસ સર્ટીફીકેટ મળી આવ્યા હતા. પોલીસે જે લેપટોપમાં આ સર્ટીફીકેટ તૈયાર કરવામાં આવતા હતા તે લેપટોપ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બંને જણાંની ધરપકડ કરી હતી.