(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૧૭
કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ના દરની જૂની ચલણી નોટો રદ્દ કર્યાને ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ હજી લોકો પાસેથી લાખોની જૂની રદ્દ થયેલ ચલણી નોટો મળી આવે છે. ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે, એક ટવેરા ગાડીમાં ચાર જેટલા ઈસમો બંધ થયેલ ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટ સાથે ઝઘડિયાના કડિયાડુંગરથી ગોળાટિયા તરફ જઈ રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ખાનગી વાહનમાં કડિયાડુંગરથી ગોળાટિયા જવાના રોડ પર વોચ ગોઠવી હતી, તે દરમિયાન બાતમી મુજબની ટવેરા ગાડી કડિયાડુંગરથી ગોળાટિયા તરફ આવતા ગાડી રોકી તેની ચકાસણી કરતા તેમાં બેઠેલ શાંતિલાલ જેરામ વસાવા રહે.સારસા પાસેથી થેલીમાંથી રૂપિયા ૫૦૦ના દરની જૂની રદ્દ થયેલ ૧૦૦ નોટ તથા ૧૦૦૦ના દરની ૧૦૦ નોટ મળી રૂપિયા ૧,૫૦,૦૦૦ની જૂની નોટો મળી આવી હતી. આ બાબતે પોલીસે તેમને પૂછતાં ગલ્લા-તલ્લા કર્યા હતા. પોલીસે ચારેય ઈસમોની અંગઝડતી દરમિયાન મોબાઈલ કબજે લીધા હતા. પોલીસે ૧૫૦ નંગ ચલણી નોટ, ટવેરા ગાડી, ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા ૫,૧૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝઘડિયા પોલીસે રદ્દ થયેલ ચલણી નોટો સાથે ઝડપાયેલ (૧) શાંતિલાલ જેરામ વસાવા (ઉ.વ ૬૦) (રહે.સારસા, તા.ઝઘડિયા), (૨) વિજય સના વસાવા (ઉ.વ ૫૦) (રહે.જાંબુડા ફળિયા, રાજપારડી, તા.ઝઘડિયા), (૩) સંજય કાલીદાસ પટેલ (ઉ.વ ૪૫) (રહે.શિવમ નગર સી-૭ અંદાડા, તા.અંકલેશ્વર), (૪) દક્ષેશ ઘનશ્યામ પટેલ (ઉ.વ.૩૬ (રહે.પ્રતાપનગર, તા.નાંદોદ) વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા જૂની ચલણી નોટો સાથે ઝડપાયેલ ચારેય ઈસમો નોટો ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી, તે બાબતે પૂછપરછ હાથ ધરી છે.