(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.રપ
દિવાળી સમયે કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના પાંચ હીરા ઘસનાર ભેજાબાજ કારીગરોએ યૂ-ટ્યુબ પર વીડિયો જોઈ ચાર મહિનાથી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. જો કે, આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ ધરપકડ કરતા, તપાસનો રેલો સુરત પહોંચ્યો હતો. જ્યાં કાવતરાના માસ્ટર માઈન્ડ સહિત વધુ પાંચની એસઓજીએ ધરપકડ કરી છે.
તાજેતરમાં જ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રૂા.૮૭,પ૦૦ની પ૦૦ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઈ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બિયારની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની પૂછતાછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે. રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી ભેજાબાજ આશિષ ધનજીભાઈ સુરાણી, સંજય વિનોદભાઈ પરમાર, કુલદિપ કિશોરભાઈ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઈ માંગુકિયા અને વિશાલ વલ્લભભાઈ સુરાણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પાંચેય શખ્સો પાસેથી બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળી કુલ રૂા.રર,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સંજયે ખરીદેલા લેપટોપ તથા પ્રિન્ટરમાં ૧૦૦ અને પ૦૦ના દરની અસલી નોટો પહેલાં સ્કેન કરી અને ત્યારબાદ કલર પ્રિન્ટરમાં છેલ્લાં ચાર મહિના અંદાજિત બે લાખની બનાવટી નોટો છાપી દીધી હતી.
ભેજાબાજ યુવાનોએ નોટો તો છાપી પણ નોટમાં આવતી સિક્યુરિટી થ્રેડનો ઈલાજ ન્હોતો. ૧૦૦ અને પ૦૦ના દરની બનાવટી નોટો છાપી પહેલો પ્રયોગ સુરતમાં જ કર્યો હતો. જ્યાં એક તબક્કે ખાણીપીણીની લારી પર નોટ વટાવી લેતાં હિમ્મત ખુલી હતી. પરંતુ એક તબક્કે સંજય ખરીદી કરવા જતાં વેપારીએ નોટોની ચકાસણી કરી અને ચલણી નોટ પરની સિક્યુરિટી થ્રેડ શંકાસ્પદ જણાતા બનાવટી હોવાનું જાણવા મળ્યું અને દાવ ઊંધો પડ્યો હતો.
સંજય પરમાર આ સમગ્ર કાવતરાનો માસ્ટર માઈન્ડ છે. જેણે આશિષ સાથે મળી નોટો છપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ૧૦૦ અને પ૦૦ના દરની ૧.૬૦ લાખની બનાવટી નોટો છાપી, રૂા.પ૦,૦૦૦માં અભિષેક માંગુકિયાને આપી હતી. અભિષેકે આ ૧.૬૦ લાખની બનાવટી નોટો કુલદિપ રાવલને આપી અને કુલદિપે અઢી માસ પહેલાં પોરબંદરના અર્જુન મેરે આ બનાવટી નોટો પધરાવી દીધી હતી. જેની સામે કુલદિપે રૂા.પ૦,૦૦૦ લીધા હતા. જો કે, આ નોટો બજારમાં વટાવી ન શકતા અર્જુન મેરે ૮૭,પ૦૦ની બનાવટી નોટો કુદલિપને પરત કરી હતી. જેમાંથી રૂા.૩પ,૦૦૦ની બનાવટી નોટો વડોદરાના અભિષેક સુર્વેને આપી હતી.