(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેરના સચીન- પલસાણા ટી પોઈન્ટ પાસેથી પોલીસે બાતમીના આધારે નકલી નોટ છાપવાના કારખાના પર દરોડો પાડી રૂપિયા ૮૫.૨૨ લાખની નકલી ચલણી નોટો કબ્જે કરી,બે જણાની ઘરપકડ કરી હતી.પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના સચીન પોલીસને બાતમી મળી હતી કે પલસાણા ટી પોઈન્ટ પાસે કોઈ એક કારખાનામાં નકલી નોટો છાપવાનો કાળો ધંધો ચાલી રહ્યો છે. પોલીસ આ બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી સુનિતા લક્ષ્મણ ભાવુ અને સચીન પરમાર નામની વ્યક્તિઓને ઝડપી પાડી સ્થળ પર તપાસ હાથ ધરી હતી.જેમાં પોલીસને રૂા. ૮૫.૨૨ લાખની ૨,૦૦૦ અને ૫૦૦ની નકલી ચલણી નોટો, ગાંધીજીના સ્કેચવાળા સ્ટેમ્પ, પ્રિન્ટર, મોબાઈ વિગેર મળી કુલ રૂપિયા ૯૦,૮૩,૫૮૩નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેને પોલીસે કબજે કરી,બનાવ અંગે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં જાણવા મળ્યા મજુબ સચીન પરમારની ભાવનગર અને અમરોલીમાં પણ નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં ધરપકડ થઇ ચુકી છે.આ આરોપી નકલી નોટો છાપીને બજારમાં ફેરવતો અને કમિશન પર આપતો હતો.જેઓનોટની અંદર વપરાતી ગ્રીન પટ્ટીમાં માટે તેઓ ગ્રીન સેલોટેપનો ઉપયોગ કરતાં હતા.