(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૪
લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉકટરોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોઈપણ જાતની ડિગ્રી કે સર્ટીફીકેટ વગર અમુક લોકો તબીબ તરીકે કામ કરે છે. જે ગેરકાયદેસર છે. આવો જ એક બોગસ તબીબ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે ઝડપાયો જેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસ.ઓ.જી.ના પી.આઈ. એફ.કે.જોગલની સુચના મુજબ એસ.ઓ.જી.નાં સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે વઢવાણ ખાડીપોળ પાસે મહર્ષી ક્લિનીકમાં પ્રેક્ટીસ કરતો ભરતકુમાર નટવરલાલ ગોહિલ (ઉ.વ.૪૪) રહે. ટી.બી. હોસ્પિટલ પાસે, સ્નેહલ પાર્ક પિતૃકૃપા, સુરેન્દ્રનગર પોતે ડૉકટર ના હોવા તેમજ કોઈપણ જાતની તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી ધરાવતો ન હતો છતાં સામાન્ય લોકોમાં ડૉકટર તરીકે જાહેર કરી છેલ્લા સાત વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. આજરોજ રેડ દરમ્યાન એલોપેથી દવાઓ તથા સાધનોની કિંમત રૂા.ર૦,૧ર૭ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય આ ઈસમ વિરૂદ્ધ વઢવાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.