(સંવાદદાતા દ્વારા) સુરત, તા.પ
પલસાણાના વરેલીમાંથી કડોદરા પોલીસે વગર ડિગ્રીએ ડોક્ટરની પ્રેક્ટિસ કરી માનવ જિંદગી સાથે ચેડાં કરતા બે ડોક્ટરોને પકડી પાડી સાધન સામગ્રી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલીમાં શાંતિનગર પંચવતી કોમ્પ્લેક્ષ દુકાન નં. ૩ શિવ ક્લિનીકમાં વગર ડિગ્રીએ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા સુશીલ લક્ષ્મીકાંત મોલો (મૂળ કોલકાતા) તથા વરેલી સિતારામ કોમ્પ્લેક્ષ શોપ નં. ૪માં વગર ડિગ્રી ડોક્ટરની પ્રેક્ટિસ કરતા અનિલભાઈ ઈશ્વર દયાલ રામલાલસિંગ કુશ્વાહનાઓને માનવ જિંદગી સાથે ચેડાં કરવાના ગુનામાં સાધન સામગ્રી સાથે પકડી પાડી ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એકટ ૧૯૬૩ની કલમ ૩૨૩૩ તથા ઈન્ડિયન મેડિકલ ડિગ્રીનું એકટ ૧૯૧૬ની કલમ-૬ મુજબનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.