જામનગર, તા.૩૧
લાલપુરના કાનાલુસ નજીકની રિલાયન્સની લેબર કોલોનીની સામેની પતરા કોલોનીમાંથી ગઈકાલે એસઓજીએ ત્રણ નકલી તબીબોને પકડી પાડ્યા છે. ધો.૧૦ સુધીનો અભ્યાસ કરનાર આ શખ્સો કેટલાક સમયથી પરપ્રાંતિય શ્રમિકોની જિંદગી સાથે રમત કરતા હતા. આ ઉપરાંત સુરતકરાડીમાંથી પણ પોલીસે એક નકલી ડોકટરને પકડી લોકઅપના દર્શન કરાવ્યા છે.
લાલપુર તાલુકાના કાનાલુસ પાસે આવેલી રિલાયન્સ કંપનીની લેબર કોલોની-૮ની સામેના ભાગમાં ઊભી થયેલી પતરા કોલોનીમાં કેટલાક નકલી તબીબો દર્દીઓને તપાસી જુદી-જુદી દવાઓ આપી રહ્યા છે તે બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ગોહિલને વાકેફ કરાયા પછી એસઓજીનો કાફલો પતરા કોલોનીમાં પથરાઈ ગયો હતો જ્યાંથી વારાફરતી ત્રણ બોગસિયા તબીબ મળી આવ્યા હતા.
મૂળ બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના કટિયા તાલુકાના રાજાપુર ગામના રાજેશ મશરીભાઈ ગુપ્તા, મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના પડારિયા ગામના વિકાસ નિમાયા દાસ તેમજ મૂળ બંગાળના નોદિયા જિલ્લાના ચકડા ગામના પ્રોદીપ સરકાર ઉર્ફે પ્રોબીર નામના ત્રણ શખ્સો એસઓજીની ગિરફતમાં આવી ગયા હતા. ઉપરોક્ત શખ્સોની અટકાયત કરી એસઓજીએ પૂછપરછ આરંભતા આ શખ્સો પોતાના વતનમાં ધો.૧૦ સુધી અભ્યાસ કર્યા પછી જામનગર જિલ્લામાં આવેલા લાલપુર તાલુકાના ઉપરોક્ત સ્થળે કમાઈ લેવાના ઈરાદાથી આવી પોતાની ઓળખ તબીબ તરીકે આપી પતરા કોલોનીમાં દવાખાનાઓ ચાલુ કરી અજાણ રહેલા પરપ્રાંતિયો-શ્રમિકોને જુદી-જુદી દવાઓ, ઈન્જેકશન આપી તેઓની પાસેથી રકમ પડાવતા હતા તેવી કબૂલાત મળવા પામી છે.
ત્રણેય નકલી તબીબો સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટની કલમ ૩૦ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
દરમ્યાન દ્વારકા જિલ્લાના ઓખામંડળના સુરજકરાડીમાં આવેલા બસ સ્ટેન્ડ પાસેથી પણ પોલીસે એક બોગસ તબીબને પકડી પાડયો છે. પૂર્વ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં કોઈપણ જાતની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા રમણીકભાઈ ગોકળભાઈ સુખડિયા નામના ૬૬ વર્ષના શખ્સને ત્યાં ત્રાટકેલી પોલીસે તેના ડિગ્રી વગેરે દસ્તાવેજો બતાવવાનું કહેતા આ શખ્સે કેટલાક સમયથી પોતે ડોકટર ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત આપી છે ત્યાંથી પણ પોલીસે અલગ અલગ દવાઓનો જથ્થો તેમજ રૃા.૩૨૦ રોકડા કબજે કરી રમણીક સુખડિયા સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કર્યો છે.