(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૦
સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી અને લોકોને ભોળવી નકલી માલ પધરાવી જવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવરનગર પોલીસ મથક સામે જ રહેતા શખ્સો લોકોને ફેસબુકના માધ્યમથી સોનાનું બિસ્કિટ બતાવી ડુપ્લીકેટ સોનુ પધરાવી દેતા હોવાનો પર્દાફાશ થયો છે. મૂળ યુપીના શખ્સ સાથે થયેલી છેતરપિંડી બાદ પૈસા લેવા આવેલા શખ્સને ગોંધી રખાયો હતો. જેમાં તેણે પોલીસને ફોન કરતા લોકેશનના આધારે પોલીસે પહોંચી જઇ સમગ્ર બનાવનો ભાંડો ફોડયો હતો. આ બનાવમાં આઠ શખ્સો સામે રૂપિયા ૫.૨૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.
ઉત્તરપ્રદેશના કાનપુરના તિવારીપુરમાં રહેતા મહેશકુમાર સીંગબહાદુર વર્મા સોના-ચાંદીના ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમય અગાઉ ફેસબુક પર સસ્તા સોનાની લાલચે તેઓ રતનપરના શખ્સના સંપર્કમાં આવ્યા હતા. ફોન પર અવાર નવાર વાતચીત કર્યા બાદ તા.૪ જુલાઇના રોજ તેઓ સોનુ લેવા રતનપર આવ્યા હતા. જ્યાં મેહુલ નામનો વ્યકિત તેમને પોલીસ મથક સામેની ગલીમાં ડબલ માળના મકાનમાં લઇ ગયો હતો. જ્યાં અન્ય શખ્સોની હાજરીમાં સોનુ બતાવ્યા બાદ રૂપિયા ૨.૭૦ લાખ લીધા હતા. અને સામે પોલીસ ચોકી છે, હું બિસ્કિટ બરાબર પેક કરી આપુ છું તેમ કહી બિસ્કિટ આપ્યું ન હતુ. આથી તા.૮ના રોજ તેઓ તે મકાને પહોંચતા લોકોએ તેમને રૂમમાં પૂરી દીધા હતા. જ્યાંથી મહેશકુમારે પોલીસનો સંપર્ક કરતા જોરાવરનગર પીએસઆઇ એસ.એસ.વરૂ સહિતનો સ્ટાફ ધસી ગયો હતો. અને મહેશકુમારને મુકત કરાવ્યા હતા. આ સમયે ખંભાતના કંસારા બજારમાં જ રહેતા અને દાગીના બનાવવાનું કામ કરતા ધવલ રમેશચંદ્ર રાણા સાથે પણ આવુ બન્યુ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેમની સાથે રૂપિયા ૨.૫૦ લાખની છેતરપિંડી કરાઇ હતી. પોલીસે બન્નેની ફરિયાદ લઇને કરીમ ફતેમહમદ ભટ્ટી, અબ્બાસ રસુલભાઇ માણેક, મેહુલ, સુલીમભાઇ હાજી, તુષાર, રોહીત, હનીફભાઇ અને એક અજાણ્યો માણસ એમ ૮ શખ્સો સામે ફરિયાદ નોંધી છે.
દુબઇમાં સોનાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું કહી ડિસ્કાઉન્ટની લાલચ અપાતી ઠગબાજોએ ફેસબુક પર અર્શી પટેલ નામનું આઈ.ડી. બનાવ્યું. જેમાં દુબઇની ગોલ્ડ અને ડાયમંડ કંપનીના મેનેજર હોવાનું તથા દુબઇની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાનો ઉલ્લેખ હતો.
પ્રાથમિક તપાસમાં એક જ વ્યકિત અલગ-અલગ નંબરોથી વાત કરતો હોવાની શંકા બહાર આવી છે. બન્ને ફરિયાદીએ આપેલા મોબાઇલ નંબર પરથી તેના લોકેશન અને યુઝરની વિગતો હાલ પોલીસ મંગાવી રહી છે. આ અંગે યુ.પી.ના શખ્સે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
ફેસબુકના માધ્યમથી સોનાના બિસ્કિટ બતાવી ડુપ્લીકેટ સોનું પધરાવવાના ચિટીંગનો પર્દાફાશ

Recent Comments