(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
શહેરના રાવપુરા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં કોમ્પ્યુટર કલાસમાં ધો.૧૦ અને ૧૨ નાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને રૂા.૮૫ હજાર લઇ મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવી આપવાનાં કૌભાંડને શહેર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ૧૦ બોગસ માર્કશીટ સહિત એક જણાંની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર એસ.ઓ.જી. પોલીસનાં હે.કો. કમાલુદ્દીન સૈયદને બાતમી મળી હતી કે, રાવપુરા રોડ પર સનરાઇઝ કોમ્પલેક્ષનાં બીજા માળે આવેલા કોમ્પ્યુટર કલાસની આડમાં બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવી આપવામાં આવે છે. આ બાતમીને આધારે પોલીસે આજે સવારે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન વિશાલ અરૂણભાઇ પટેલ (રહે. યજ્ઞપુરુષવિલા, હરણી) કોમ્પ્યુટરના કલાસનાં ઓથા હેઠળ બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવીને વેચતો હોવાનું ખુલ્યું હતું. તેની ઓફિસમાંથી મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની બોગસ ૧૦ માર્કશીટ અને ૧૦ સર્ટીફીકેટ મળી આવ્યા હતા. પોલીસની પુછપરછમાં વિશાલ પટેલ રૂા.૮૫ હજાર માં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડની ધો.૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા આપ્યા વિના જ બોગસ માર્કશીટ બનાવી આપતો હોવાનું ઘટસ્ફોટ થયો હતો. પોલીસે બોગસ માર્કશીટ અને સર્ટીફીકેટ તેમજ કોમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર સહિત રૂા.૫૧,૨૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિશાલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને માર્કશીટ અને સર્ટીફીકેટ આપ્યા છે તેની તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં મહારાષ્ટ્ર એજ્યુકેશન બોર્ડનો કોઇ કર્મચારી સામિલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.