અમદાવાદ, તા.૨૪
રિવરફ્રન્ટ પર નકલી પોલીસ બનીને લોકોને ડરાવનીને પૈસા પડાવતા ત્રણ લોકો ઝડપાયા છે. અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા રિવરફ્રન્ટ પર આ ત્રણ લોકો ત્યાં આવીને લોકોને ડરાવીને પૈસા પડાવતા હતા. ત્યારે રિવરફ્રન્ટ પોલીસે શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ વાહન ચાલકો પાસેથી ડ્રાઈવિંગ લાઈસન્સ માંગીને ડરાવતા અને તોડ કરતા હોવાની વિગતો સામે આવી છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી સાંજના સમયે લાકડી લઈને ફરતા ત્રણ શખ્સોએ પોલીસ હોવાની ઓળખ આપીને રોક્યા હતા અને ત્યારબાદ ડરાવવાનું શરૂ કર્યું હતું પરંતુ આ જ સમયે અસલી પોલીસ આવી જતા નકલી પોલીસની પોલ ઉઘાડી પડી ગઈ હતી.પોલીસે આ નકલી પોલીસ બનીને ફરતા લોકોની પૂછપરછ કરતા તે લોકો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ લોકો નકલી પોલીસ બની લોકો પાસેથી પૈસા પડાવતા હતા. પોલીસે આ ત્રણેય લોકોની અટકાયત કરી તેમની પાસેથી પોલીસ જેવી જ સફેદ કલરની લાકડીઓ અને નંબર પ્લેટ વગરનું બાઈક કબ્જે કર્યું છે. ત્યારે આ પહેલા આ આરોપીઓએ અગાઉ કઈ કઈ જગ્યાએ નકલી પોલીસની ઓળખ આપીને ગુનાખોરી કરી તે સહિત અન્ય મુદ્દે પોલીસ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે.