વડોદરા, તા.૧૫
વડોદરા શહેરની તરસાલી પાણીની ટાંકીમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સફાઇ સેવકોએ ટાંકી સાફ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ટાંકીમાં ગૂંગળામણ થતી હોવાથી સફાઇ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના માણસોની સેફ્ટી માટે કોર્પોરેશન પાસે ઓક્સિજન સિલિન્ડર અને માસ્કની માંગણી આવી હતી. કોર્પોરેશન દ્વારા ઓક્સિજન અને માસ્ક પૂરા પાડવામાં ન આવતા ટાંકીની સફાઇ મુલતવી રાખવામાં આવી હતી.
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારની તરસાલી ટાંકીમાંથી ૨ લાખ લોકોને પાણી આપવામાં આવે છે. પરંતુ દક્ષિણ વિસ્તારને છેલ્લા ૬ માસથી પીળુ અને દુર્ગંધ મારતું પાણી મળતું હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. જેથી આજે તરસાલી ટાંકીની સફાઇ હાથ ધરવામાં આવી હતી. ટાંકીમાં ૭ ઇંચ જેટલો કાદવ-કિચડ જમા થયો છે. કોર્પોરેશનની ટાંકીઓનું સફાઇ કરતા કોન્ટ્રાક્ટર રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી નિમેટા ખાતેના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઇ કરવામાં આવે નહીં. ત્યાં સુધી ટાંકી સાફ કરવાનો કોઇ મતલબ નથી. છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજી વખત તરસાલી ટાંકી સાફ કરી રહ્યો છું, તેમ છતાં ટાંકીમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી રહી છે. સફાઇ સેવકો ટાંકીમાંથી આવતી દુર્ગંધના કારણે ટાંકીમાં ઉતરી રહ્યા નથી. જેથી કોર્પોરેશન પાસે ઓક્સિજન સિલિન્ડર અને માસ્કની માંગણી કરવામાં આવી છે. જ્યાં સુધી કોર્પોરેશન દ્વારા ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક આપવામાં નહીં આવે ત્યાં સુધી ટાંકીની સફાઇ કરવામાં આવશે નહીં.