(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૭
ભારતીય વાયુ સેનાના ફલાઈટ એન્જિનિયર અને ભૂતપૂર્વ સાર્જન્ટ અનિલકુમાર કૌશિક આજરોજ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. અગાઉ સર્જિકલ સ્ટ્રાઈકના એક ભાગ તરીકે રહી ચુકેલા અનિલકુમારે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઘણી સર્જિકલ સ્ટ્રાઈક કોંગ્રેસના શાસનમાં કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ સરકારે મત માટે સેનાના નામનો કદી દુરૂપયોગ કર્યો ન હતો.
આ પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ સાર્જન્ટ અનિલકુમાર કૌશિકે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન સેનાએ કરેલા કાર્યનો પ્રચાર પોતે કરેલા કાર્યો છે. તેમ જણાવી રહ્યા છે. તેનાથી શહીદ સૈનિકોના પરિવારો વ્યથિત છે. તેઓ પોતે પણ સર્જિકલ સ્ટ્રાઈકના એક ભાગ તરીકે રહી ચુકેલા છે અને તેઓએ ૧ર૦૦ કલાકથી પણ વધુ ઉડ્ડયન કરેલ છે અને તેમને સાડા સત્તર વર્ષ વાયુસેનામાં સેવા આપેલ છે. આ દરમિયાન તેઓ એચ.એ.એલ. સાથે જગુઆર ઓપરેશનમાં પણ સામેલ હતા તથા શ્રીલંકા, મિઝોરમ વગેરે સ્થળોએ વાયુસેનાના ઓપરેશનની કામગીરી કરેલ હતી. રાફેલ ભ્રષ્ટાચારના મુદ્દે પુછાયેલા પ્રશ્નમાં એમણે જણાવ્યું હતું કે, ‘જહાં ધુંઆ ઉઠતા હૈ, વહાં આગ તો હોતી હૈ.’ સુરક્ષાના નામે સરકાર શા માટે વાસ્તવિકતાને છુપાવી રહી છે ? કેપ્ટન અભિનંદનને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવા વિશે જણાવ્યું હતું કે, ભૂતકાળની કોંગ્રેસની સરકારમાં પણ આપણા પાયલોટને પાકિસ્તાનથી બે દિવસમાં પરત લાવવામાં આવ્યા હતા. તે વખતની સરકારમાં પણ આપણા બાબતે કોઈ પણ પ્રકારનો શ્રેય લેવામાં આવ્યો ન હતો. સેનાને છૂટ આપવાની બાબતે તેમને જણાવ્યું હતું કે, સેના હંમેશા ખડેપગે જ હોય છે અને તે હંમેશા તેના સુપ્રીમ કમાન્ડરના આદેશથી દેશની સુરક્ષા માટે કાર્ય કરતી રહી છે. અને કરતી રહેશે.
આ પત્રકાર પરિષદમાં સોશિયલ મીડિયા વિભાગના કોઓર્ડીનેટર હેમાંગ રાવલ તથા રાજકોટ ઝોનલ ઈન્ચાર્જ સંજય ગાઠિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.