(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન જાહેરાત કરે, ઉદ્‌ઘાટન કરે પરંતુ દેશનું નાણું વિપક્ષને ગાળ આપવા માટે નથી. પીએમની વાણી કડવી અને દુર્ભાવના ભરેલી છે. વડાપ્રધાને છેલ્લા પાંચ વર્ષના કામ પર શ્વેત પત્ર જારી કરવો જોઇએ. પ્રવાસી ભારતીય સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની ટીકા કરતા કોંગ્રેસના નેતાએ આરોપ મુક્યો કે તેઓ સરકારના નાણાનો ઉપયોગ ભાજપના ‘મુખ્ય પ્રચારક’ તરીકે કરી રહ્યા છે. પ્રવાસી ભારતીય સંમેલનમાં મોદીજીનું ભાષણ હોદ્દાની ગરિમાને હાનિ પહોંચાડનાર છે પરંતુ આ બાબતની તેમણે ક્યારેય ચિંતા કરી નથી. આજે દેશમાં રોકાણમાં સાત ટકાનો ઘટાડો થયો છે. મોદીના પ્રચારમાં ૬૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો શર્માએ દાવો કર્યો છે. સરકારની જાહેરાતો માટે જાહેર ક્ષેત્રના સાહસો જંગી નાણા ખર્ચી રહ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ પત્રકારોને જણાવ્યું કે ઇવીએમ અંગે વિવાદ ચાલી રહ્યો છે, ઘણા વિરોધ પક્ષોએ ચૂંટણી પંચને આવેદન પત્ર આપીને બેલેટ પેપર પર પરત આવવાની માગણી કરી હતી.આશંકાનું નિવારણ જરૂરી છે. આનંદ શર્માએ ઓછામાં ઓછા ૫૦ ટકા વીવીપેટની સ્લિપની ગણતરી કરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનને દેશના દરેક ભાગમાં જવાનો અધિકાર છે પરંતુ વાંધો એ વાતનો છે કે વડાપ્રધાન દેશના નાણા ખર્ચીને જે યાત્રા કરે છે તે વિપક્ષને ગાળ આપવા માટે નથી. આ બાબતે ચૂંટણી પંચે ધ્યાન આપવું જોઇએ. તેમણે કહ્યું કે પીએમ મોદી ભૂતપૂર્વ વડાપ્રધાનોનું અપમાન કરે છે. વડાપ્રધાનને એવું લાગે છે કે જેવી રીતે દેશના મતદાતાઓને ગેરમાર્ગે દોરે છે એવી જ રીત પ્રવાસી ભારતીયોને પણ ગેરમાર્ગે દોરશે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે સરદાર પટેલની મૂર્તિ દેશ બહાર બની છે. મેક ઇન ઇન્ડિયાનો લોગો જિનિવામાં બન્યો છે. રાફેલ કૌભાંડ સામે છે. પછી મોદી કયા મેક ઇન ઇન્ડિયાની વાત કરી રહ્યા હતા ? જોકે, આ વાત સાચી છે કે કોઇ પણ ભૂતપૂર્વ વડાપ્રધાનને મોદીજીની જેમ પ્રચાર કરવાનું ન આવડ્યું. તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે મેક ઇન ઇન્ડિયાનું શું થયું ? ઔદ્યોગિક ઉત્પાદન દરમાં ઘટાડો કેમ થયો ? રોકાણ કેમ વધી રહ્યું નથી ? તેઓ કયા મેક ઇન ઇન્ડિયા વિશે પ્રવાસી ભારતીયોને સમજાઇ રહ્યા હતા ? કોંગ્રેસના નેતાએ કહ્યું કે મોદીનો સમગ્ર કાર્યકાળ પ્રચાર પર આધારિત રહ્યો છે.