(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
નવસારીના સદલાવ ગામે ઝાડા-ઊલ્ટીનો વાવર ફાટી નીકળ્યો છે. પીવાના પાણી સાથે દુષિત પાણી ભળી જતા ૧૫ વધુ લોકોને ઝાડા-ઊલ્ટીની અસર થઈ છે. જેમાંથી બે લોકોના મોત નીપજતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.નવસારી સદલાવમાં છેલ્લા થોડા દિવસોથી દૂષિત પાણી પીવાના પાણીની સાથે ભળી જતાં લોકોમાં ઝાડા ઊલ્ટીના રોગચાળાએ માજા મુકી છે. ૧૫ લોકોને ઝાડા-ઊલ્ટીની અસર પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાંથી આલ્કોહોલિક પ્રમાણ ધરાવતા ૨ યુવકોને ઝાડા-ઊલ્ટી થતા મૃત્યુ થયું હતું. જેમાં ૩૫ વર્ષીય જીતુ સુમન હળપતિ અને ૩૨ વર્ષીય રાકેશ હળપતિનો સમાવેશ થાય છે. જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સદલાવના સુખ નગરી ખાતે બેસ કેમ્પ લગાવાયો છે. ઝાડા-ઊલ્ટીની અશર ધરાવતા લોકોને ખડસુપા આરોગ્ય કેન્દ્ર નવસારી સિવિલ ખાતે ખસેડાયા છે. અને હાલ આરોગ્ય તંત્રએ પાણીના સેમ્પલો લઇ જમીનમાંથી પસાર થતી પાણીની લાઇનનું ચેકીંગ હાથ ધર્યુ છે.