(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૩
શહેરની જાણીતી એલેમ્બિક વિદ્યાલયના એક લંપટ ટીચરે પોતાના ખાનગી ટયૂશન ક્લાસમાં આવતી સગીર સ્ટુડન્ટ ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી હેમા (નામ બદલ્યું છે) ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. અને સાંજે સ્કૂલના શિક્ષક વિનુ કટારીયાના અટલાદરા વિસ્તારમાં આવેલા જય ક્લાસીસમાં જતી હતી. હવસખોર શિક્ષક ક્લાસ શરૂ થવાના એક કલાક પહેલાં વિદ્યાર્થિનીને પોતાના ક્લાસમાં બોલાવી લેતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. પિડિતાના પિતાએ આ અંગે જણાવ્યું હતું કે સ્કૂલ અને ટ્યૂશનના સમય દરમિયાન હવસખોર શિક્ષક વિનુ કટારીયાએ હેમાને ધોરણ-૧૨નું પેપર લીક કરીને પાસ કરાવી અને ડોક્ટર બનાવી દેવાની લાલચ આપી પોતાની હવસનો શિકાર બનાવતો હતો.
શહેરના કલાલી ખાતે આવેલા ગજાનંદ ડુપ્લેક્ષમાં પરિવાર સાથે રહેતો હવસખોર શિક્ષક વિનુ કટારીયા સ્કૂલ છૂટ્યા બાદ સાયન્સના ક્લાસ ચલાવતો હતો. વિનુ કટારીયાએ પુરૂષમાં આવતી નપુશકતા ઉપર અમદાવાદની સેન્ટ ઝેવીયર કોલેજમાંથી ડોક્ટરેટ કર્યું હતું.
ઉચ્ચ શિક્ષીત હવસખોર શિક્ષક વિનુ કટારીયાને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શહેરની એલેમ્બિક વિદ્યાલયમાં નિમણૂંક કરવામાં આવ્યો હતો. તે એલેમ્બિક વિદ્યાલયમાં બાયોલોજી ટીચર હતો. આ ટિચર સામે આજે માંજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલી વિદ્યાર્થિની હેમાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ગણતરીના કલાકોમાં તેના ઘરેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે શહેરના શિક્ષક આલમમાં અને વિદ્યાર્થીઓમાં ભારે ચકચાર મચાવી મૂકી છે.